Health News : હાર્ટ એટેકનું જોખમ ઘટાડવું છે? સૂતા પહેલા અપનાવો કાર્ડિયોલોજિસ્ટની આ 4 આદતો

આજકાલની લાઈફસ્ટાઈલમાં લોકો સ્વાસ્થ્યનું ધ્યાન ઓછું રાખી શકે છે અને એવામાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી ગયું છે. ના તો ઊંઘવાનો સમય નક્કી હોય છે અને ના તો ખાવા-પીવાનો, સાથે જ જંક ફૂડ ખાવાથી પણ નુકસાન થાય છે. આપણી કેટલીક આદતો પણ એવી હોય છે, જેની સીધી અસર હૃદય પર પડે છે. જો સમય રહેતા આ આદતોને સુધારવામાં ન આવે, તો હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. કાર્ડિયોલોજિસ્ટનું માનવું છે કે જો તમે રાત્રે સૂતા પહેલા થોડી મિનિટો પોતાને આપો છો, તો તેનાથી હૃદય અને મગજ બંનેનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. તેમણે કેટલીક એવી આદતો વિશે જણાવ્યું છે, જેને અપનાવવી ખૂબ જ સરળ છે અને તેનાથી તમે હૃદયને લગતી ઘણી બીમારીઓથી બચી શકો છો. અહીં જાણો કઈ છે આ આદતો-
1. 4-2-6 બ્રીધિંગ (શ્વાસોચ્છવાસ) કરો
સૂતા પહેલા 5 મિનિટ સુધી 4-2-6 બ્રીધિંગ ટેકનિક અપનાવો. આમાં 4 સેકન્ડ સુધી શ્વાસ અંદર લેવાનો છે, પછી 2 સેકન્ડ સુધી રોકી રાખવાનો છે અને 6 સેકન્ડ સુધી ધીમે-ધીમે બહાર છોડવાનો છે. આવું કરવાથી તમારા હૃદયના ધબકારા (હાર્ટ બીટ) નોર્મલ થઈ જશે અને ફેફસાં પણ વધુ સારી રીતે કામ કરશે. આ કરવાથી શરીર પણ રિલેક્સ અનુભવશે અને વેગસ નર્વ (vagus nerve) એક્ટિવ થઈ જશે. આ ટેકનિકથી તણાવ ઓછો થાય છે, જેના લીધે રાત્રે ઊંઘ પણ સારી આવે છે.
2. અંધારું કરો
સૂવાના ઓછામાં ઓછા 10 મિનિટ પહેલા મોબાઈલ, લેપટોપ, ટીવી જેવી સ્ક્રીન અને રૂમની લાઈટ બંધ કરી દો. આને 'ડાર્કનેસ વિન્ડો' કહેવામાં આવે છે. સતત લાઈટ કે સ્ક્રીન જોવાથી શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધે છે, જેનાથી મગજ એક્ટિવ રહે છે અને ઊંઘ ઓછી આવે છે. જ્યારે તમે સ્ક્રીનથી અંતર બનાવશો, ત્યારે શરીર રિલેક્સ મોડમાં આવી જશે અને બ્લડ વેસેલ્સ (રક્તવાહિનીઓ) પણ રાહત અનુભવશે.
3. ચેસ્ટ રિલેક્સ કરો
રાત્રે 2 મિનિટ માટે તમારો હાથ છાતી પર રાખો અને ઊંડા શ્વાસ લો તથા છોડો. આ રીત તમારા હૃદય અને મગજને શાંત કરવામાં મદદ કરશે. આવું કરવાથી નર્વસ સિસ્ટમને ઘણો આરામ મળશે અને હાર્ટ રેટ પણ બેલેન્સ થઈ જશે. આ કરવાથી તમે સ્ટ્રેસ (તણાવ) અને એન્ઝાયટી (ચિંતા) ને પણ ઓછી કરી શકો છો.
4. નવશેકું પાણી પીઓ
સૂવાના લગભગ 30 મિનિટ પહેલા ધીમે-ધીમે નવશેકું (હૂંફાળું) પાણી પીઓ. આ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને શરીરને રિલેક્સ અનુભવાવે છે. નવશેકું પાણી પાચનને પણ સુધારવામાં મદદ કરે છે, જેનાથી રાત્રે શરીર વધુ આરામ અનુભવે છે. તમે ઈચ્છો તો નવશેકું દૂધ પણ પી શકો છો, પરંતુ પાણી વધુ સારો ઓપ્શન છે.
આ આદતો કેમ જરૂરી છે?
નાની-નાની હેલ્ધી આદતો લાંબા ગાળે હૃદયના સ્વાસ્થ્ય પર સારી અસર કરી શકે છે. જો કે, જો તમને પહેલાથી જ હૃદયની કે અન્ય કોઈ બીમારીની સમસ્યા હોય, તો કોઈપણ હેલ્થ રૂટિન અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો. જો હાર્ટ અટેક આવી ચૂક્યો હોય, ત્યારે પણ આ રીતો અપનાવતા પહેલા ડૉક્ટરને પૂછી લેવું યોગ્ય રહેશે.

