VIDEO : Health News/વારંવાર બીમાર પડતા લોકો ખાસ વાંચે: ઇન્ફેક્શન સામે લડવા ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ
વરસાદની ઋતુ ગરમીથી રાહત જરૂર અપાવે છે, પરંતુ તેની સાથે જ આ મોસમ ઘણી બધી શારીરિક સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે. દૂષિત પાણી, હવામાં ભેજ અને બફારો વાતાવરણમાં બેક્ટેરિયા તેમજ વાયરસને ફેલાવવા માટે યોગ્ય જગ્યા બનાવે છે. આવા સમયે એ જરૂરી બની જાય છે કે આપણું શરીર આ બીમારીઓ સામે લડવા માટે સક્ષમ હોય. આ માટે ખાવા-પીવામાં કોઈ ખાસ મોટા ફેરફાર કરવાની જરૂર નથી હોતી, બસ કેટલાક સુપરફૂડ્સ જ ઇમ્યુનિટી વધારવા માટે પૂરતા છે.
ઇમ્યુનિટી વધારવા માટે ચોમાસાના સુપરફૂડ
અહીં એવા કેટલાક ફૂડ્સ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ડાયટમાં સામેલ કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે:
તુલસી
તુલસીમાં એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા છે. આ સિવાય તુલસીમાં યુજેનોલ (Eugenol) નામનું આવશ્યક તેલ (Essential Oil) હોય છે, જે વરસાદની ઋતુમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓથી શરીરનું રક્ષણ કરે છે.
કેવી રીતે સામેલ કરવું?
તુલસીના પાનને સીધા જ ખોરાકમાં સામેલ કરી શકાય છે. આ સિવાય તુલસીનું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
આદુ
આદુને કુદરતી પેઇનકિલર (Natural Painkiller) કહેવામાં આવે છે, સાથે જ શરદી-ખાંસીમાં પણ આદુનું સેવન કરવામાં આવે છે. આદુ સોજો ઓછો કરવામાં, ઇમ્યુન સેલ્સ (રોગપ્રતિકારક કોષો)ને વધુ સક્રિય કરવામાં અને ઇમ્યુનિટીને મજબૂત રાખવામાં મદદ કરે છે.
કેવી રીતે સામેલ કરવું?
શાક બનાવતી વખતે આદુના નાના-નાના ટુકડા ઉમેરો. આ સિવાય આદુની ચા અથવા તેનો ઉકાળો (કાઢો) પણ એક ઉત્તમ વિકલ્પ છે.
મરી (કાળા મરી)
કાળા મરીમાં પિપરીન (Piperine) નામનું કમ્પાઉન્ડ હોય છે, જે એન્ટી-બેક્ટેરિયલ હોવાની સાથે એન્ટી-ઓક્સિડન્ટથી પણ ભરપૂર છે. ઘણા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કાળા મરી શરીરમાં પોષક તત્વોને શોષી લેવામાં અને ઇમ્યુનિટી સારી રાખવામાં મદદ કરે છે.
કેવી રીતે સામેલ કરવું?
શાકના મસાલામાં કાળા મરી પાવડર ઉમેરવાની સાથે-સાથે સૂપમાં પણ ઉપરથી ભભરાવીને તેનું સેવન કરી શકાય છે.
મીઠો લીમડો
મીઠો લીમડો રસોઈમાં માત્ર સુગંધ જ નથી વધારતો, પરંતુ આ પાન એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં જોવા મળતું કેરોટીનોઈડ્સ (Carotenoids) ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનો ગુણ ધરાવે છે.
કેવી રીતે સામેલ કરવું?
વાનગીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે દાળ, કઢી, વઘાર અને સૂપમાં મીઠો લીમડો અચૂક ઉમેરો.
લીંબુ
લીંબુમાં વિટામિન સી (Vitamin C) ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ (WBC - શ્વેત કણો) વધારે છે. તેની મદદથી શરીર કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે સરળતાથી લડી શકે છે.
કેવી રીતે સામેલ કરવું?
લીંબુને ચા, હેલ્ધી ડ્રિંક્સ, સલાડ, દાળ અને શાક કે કરીમાં ઉપરથી નીચોવીને સામેલ કરો.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

