VIDEO: Health Tips : સાવધાન! ખાવા-પીવાની આ 3 રોજિંદી આદતો વધારશે માનસિક તણાવ! બગાડી નાખશે શરીરનું સંતુલન!
આજકાલ લોકો વધતા જતા તણાવ (સ્ટ્રેસ)થી સૌથી વધુ પરેશાન છે. ડૉક્ટરો તણાવને શરીર માટે સૌથી ખતરનાક માને છે. તેની અસર માત્ર મગજ પર જ નહીં પરંતુ સમગ્ર શરીર અને દરેક અંગ પર પડે છે. યુવાનોએ તો ધીમે-ધીમે તણાવને રોજિંદી જિંદગીનો એક ભાગ બનાવી લીધો છે. ક્યારેક ભણવાનો લોડ, ક્યારેક કરિયરની ચિંતા, ઓફિસની જવાબદારી તો ક્યારેક પારિવારિક કામ. આ વ્યસ્ત લાઈફમાં લોકો ફોન અને સોશિયલ મીડિયા પર કલાકો વિતાવે છે, જેનાથી તણાવ ઘટવાને બદલે વધી જાય છે. ઘણીવાર લોકોની ખાવા-પીવાની ખોટી આદતો પણ તણાવનું મુખ્ય કારણ બને છે.
આ પાછળનું એક મોટું કારણ કોર્ટિસોલ (Cortisol) હોર્મોન છે, જેને સામાન્ય રીતે 'સ્ટ્રેસ હોર્મોન' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શરીરમાં કોર્ટિસોલનું સ્તર લાંબા સમય સુધી વધેલું રહે છે, ત્યારે તે ઊંઘ, પાચન, એનર્જી લેવલ, સ્કિન હેલ્થ અને હોર્મોનલ સંતુલનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. ન્યુટ્રિશનિસ્ટ એવી આદતો વિશે જણાવી રહ્યા છે જેને કેટલાક લોકો હેલ્ધી માને છે, પરંતુ વાસ્તવમાં આ આદતો શરીર માટે તણાવનો સામનો કરવાનું વધુ મુશ્કેલ બનાવી દે છે.
આ 3 આદતો શરીરમાં વધારી શકે છે તણાવ
ખોટી રીતે લો-કાર્બ ડાયટ (Low-Carb Diet) લેવું
આજકાલ ઓછું કાર્બોહાઇડ્રેટ વાળું ખાવાનું ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે, પરંતુ ન્યુટ્રિશનિસ્ટનું માનવું છે કે ઘણા લોકો ડાયટના ચક્કરમાં ખોટી વસ્તુઓ ખાવાનું બંધ કરી રહ્યા છે. બિસ્કિટ, ચોકલેટ અને પેકેટબંદ સ્નેક્સ જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને ઓછું કરવાને બદલે લોકો ઘણીવાર પોતાના ભોજનમાંથી પરંપરાગત વસ્તુઓ જેમ કે રોટલી, દાળ, ભાત, પૌઆ, ઉપમા, ઇડલી અને ઢોસાને હટાવવા લાગ્યા છે.
આ વિચારસરણી શરીરની કુદરતી સ્ટ્રેસ મેનેજમેન્ટ સિસ્ટમની વિરુદ્ધ કામ કરે છે. જ્યારે આપણે સંતુલિત આહાર (Balance Diet) લેવાનું બંધ કરીએ છીએ, ત્યારે શરીરમાં GABA નામનું ન્યુરોટ્રાન્સમીટર (જે તણાવ ઓછો કરવાનું કામ કરે છે) તેનું સ્તર ઘટવા લાગે છે. તેથી આ બાબત માત્ર કાર્બોહાઈડ્રેટની નથી, પરંતુ સંતુલિત પોષણ જાળવી રાખવાની છે. જ્યારે આ સંતુલન બગડે છે, ત્યારે તણાવ સામે લડવાની શરીરની ક્ષમતા પણ નબળી પડે છે.
સવારનો નાસ્તો ન કરવો (Skipping Breakfast)
બીજી ખરાબ આદત સવારનો નાસ્તો છોડી દેવાની છે, જે તમારા શરીરમાં તણાવ વધારી શકે છે. ઘણીવાર લોકો સવારે એટલા વ્યસ્ત હોય છે અથવા સમયના અભાવે ઘરેથી માત્ર 1 કપ ચા કે કોફી પીને નીકળી જાય છે, અને એવું વિચારે છે કે તેઓ દિવસ દરમિયાન પછીથી સરખું જમી લેશે. પરંતુ આનાથી શરીરને એટલો ફાયદો નથી થતો જેટલો લોકો વિચારે છે.
બાયોલોજિકલ ક્લોક (શારીરિક ઘડિયાળ) મુજબ, સવારના સમયે કોર્ટિસોલનું સ્તર કુદરતી રીતે જ વધારે હોય છે. નાસ્તો ન કરવાથી આ ચક્ર ખોરવાય છે અને તણાવનું સ્તર સામાન્ય કરતાં વધુ સમય સુધી વધેલું રહે છે. આ માટે સવારે માત્ર કેફીન (ચા-કોફી) પર નિર્ભર રહેવાને બદલે, દિવસની શરૂઆત કંઈક હેલ્ધી નાસ્તો કરીને કરવી જોઈએ.
સીઝનલ (મોસમી) ફળો ખાવાનું ટાળવું
મોડર્ન ડાયટના નામે લોકોએ ફળોથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને સીઝનલ ફળો લોકો ખૂબ ઓછા ખાય છે. ફળોમાં રહેલી શુગર (ખાંડ)ના ડરથી કેટલાક લોકોએ ફળો ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ન્યુટ્રિશનિસ્ટના મતે આ એક મોટી ભૂલ છે, ખાસ કરીને કેળા અને કેરી જેવા મોસમી ફળોના કિસ્સામાં.
તેમણે જણાવ્યું કે આ ફળો શરીરને પ્રીબાયોટિક્સ (Prebiotics) પૂરા પાડે છે જે આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનમાં મદદ કરે છે, જે લાંબા સમય સુધી તણાવમાં રહેવાને કારણે પ્રભાવિત થઈ શકે છે. આ ફળોમાં એન્ટીઑકિસડન્ટો અને પોલીફેનોલ્સ પણ હોય છે, જે સ્કિન અને વાળને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
મહત્વની વાત: શરીરમાં કોર્ટિસોલને કંટ્રોલ કરવું અને હોર્મોનલ સંતુલન જાળવવું એ ખાવાનું છોડી દેવા કે કડક ડાયટિંગ કરવા વિશે નથી, પરંતુ સાચું અને હેલ્ધી ભોજન પસંદ કરવા વિશે છે. હેલ્ધી આદતો અને પરંપરાગત ખોરાક અપનાવવાથી જ શરીરમાં કાર્ટિસોલ નિયંત્રણમાં રહેશે.

