Healthy Halo Effect: ઊભી બજારે સગ્ગી આંખે છેતરાતી જનતા!

'આતુર' અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ(યુપીએફ)નું સેવન અનેક બીમારીનું કારણ છે. આપણે ભોળા છીએ. ઊભી બજારે સગ્ગી આંખે છેતરાઈએ છીએ. પણ ગયા અઠવાડિયે 'ઇકોનોમિક ટાઈમ્સ'ના સમાચાર અનુસાર સેન્ટ્રલ કન્ઝયુમર ઓથોરિટી ઓફ ઇન્ડિયા(સીસીએઆઈ)એ '૧૦૦%'નો દાવો કરતા સ્ટોરીઆ ફૂડ અને મિસિસ બેકટર્સ-ને એક એક લાખનો દંડ કર્યો. આ દંડ ગ્રાહક સુરક્ષા ધારો, ૨૦૧૯ અને ગેરમાર્ગે દોરતી જાહેરાત અટકાવવાની માર્ગદર્શક સુચનાઓ અંતર્ગત કર્યો. સીસીએઆઈ માને છે કે ૧૦૦% એ પૂર્ણતયા સ્પષ્ટ આંકડો છે. એટલે એ પ્રોડક્ટમાં કાંઈ ઓછું ન ચાલે. સ્ટોરીઆ ફૂડ ૧૦૦% કોકોનટ વોટરનું લેબલ લગાડે પણ એમાં ૯.૬% નારિયેળ પાણીનું કોન્સન્ટ્રેઇટ અને બાકીનું પાણી છે, જ્યારે ઇંગ્લિશ ઓવન તરીકે જાણીતી બ્રેડ બિસ્કિટ બનાવનારી કંપની બ્રેડના પેકિંગ ઉપર ૧૦૦% હોલ વ્હીટનો દાવો કરે છે, '૧૦૦% હેપ્પીનેસ'ની જાહેરાત કરે છે પણ કંપનીએ પોતે જ કબૂલ્યું કે એમાં હોલ વ્હીટનું પ્રમાણ ૮૭% જ છે. આ ખાણીપીણી અખાદ્ય તો નથી. પણ દાવો કરવામાં આવે છે એવું એમાં નથી. આપણે આવી જાહેરાતથી પ્રેરિત થઈને આ ખાણીપીણી ખરીદીએ છીએ. આપણે ઉપભોક્તા છીએ. અને છેતરાઈએ છીએ. આ મનોશાસ્ત્રીય પરિઘટના દર્શાવતો આજનો શબ્દ સમૂહ છે : હેલ્ધી હેલો ઇફેક્ટ (Healthy Halo Effect).
'હેલ્ધી' તો આપણે જાણીએ છીએ. નિરોગી, તંદુરસ્ત, આરોગ્યવાળું, સાજુંનરવું. 'હેલો' એટલે સૂર્ય, ચંદ્ર, ઇત્યાદિની ફરતે દેખાતું અથવા ચિત્રો ઇત્યાદિમાં સંતના માથા ફરતે દર્શાવાતું પ્રભાવલય, પ્રભામંડળથી વેષ્ટિત કરવું, કોઈ વસ્તુની આસપાસ રચાતું ભાવનાજન્ય ગૌરવ, ભવ્યતા ઇત્યાદિ. અને 'ઇફેક્ટ' એટલે અસર. હેલ્ધી હેલો ઇફેક્ટ એક માર્કેટિંગ યુક્તિ છે, જેમાં એ પ્રોડક્ટ વિષેની એકાદી સારી વાત કે પોઝિટિવ દાવો કે કોઈ એક વિશેષતા એવી રીતે દર્શાવ્યા હોય કે આપણે માની બેસીએ કે આ પ્રોડક્ટ સર્વગુણ સંપન્ન છે. આ ગેરસમજ છે અને આપણે છેતરાઈ જઈએ છીએ. એમાં છૂપાયેલી હાઈ ફેટ, સ્યુગર કે સોડિયમ(એચએફએસએસ) તરફ આપણું ધ્યાન જતુ નથી. સને ૧૯૨૦માં અમેરિકન સાયકોલોજીસ્ટ એડવર્ડ થોનડાયકે 'હેલો ઇફેક્ટ' શબ્દ આપ્યો. અમેરિકન આર્મી વિષેના તેઓનાં રીસર્ચ પેપરમાં આનો ઉલ્લેખ પહેલી વાર થયો. કોઈ સૈનિક શારીરિક રીતે સારો દેખાતો હોય, યુનિફોર્મ વગેરે એકદમ વ્યવસ્થિત હોય તો ઉપરી અધિકારી એવું માની લે કે આ સૈનિક બુદ્ધિશાળી, જાબાંઝ અને ભરોસાપાત્ર પણ છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન! આ પરથી કોઈ વ્યક્તિ પાછળ એકાદ ચમકતો પ્રકાશ વલય હોય એટલે એ વ્યક્તિ આખી તેજ પુંજથી સંપૂર્ણ રીતે ઝબકે છે એવી ગેરસમજ, એ હેલો ઇફેક્ટ. હવે આમાં આગળ 'હેલ્ધી' શબ્દ સને ૨૦૦૬માં ઉમેરાયો. એક સાયકોલોજિકલ રીસર્ચમાં એવું તારણ આવ્યું કે કોઈ ગ્રાહક તૈયાર ફૂડ પેકેટ ઉપર છાપેલો એકાદ શબ્દ વાંચે, દા.ત. 'નેચરલ' અથવા 'ઓર્ગેનિક'. અને માની બેસે કે આ આખી પ્રોડક્ટ પૂર્ણ રીતે આરોગ્યપ્રદ છે. આ એ જ ભૂલ હતી, જે સૈનિકોની મૂલવણી વખતે સૈન્ય અધિકારીઓ કરતા હતા. એકાદ ગુણ સારો એટલે આખી પ્રોડક્ટ જોરદાર એવી ગેરસમજ. આમ આખો શબ્દસમૂહ બજારમાં મળતા પેક્ડ ખાણી પીણી ઉપરની છેતરામણી જાહેરાતને લાગુ પડયો.
ઇન્સ્ટન્ટ ઓટ્સ કે રાગી નૂડલ્સ હોય એટલે આપણે માનીએ કે આ હેલ્ધી ફૂડ છે. એ ઉપર એવું લખ્યું પણ હોય. વળી લટકાંમાં 'નો મૈંદા' શબ્દો પણ આપણે દેખીએ અને આપણે અભિભૂત થઇ જઈએ. આપણે પેકેટની પાછળ લખેલા શબ્દો વાંચીએ જ નહીં. રિફાઇન્ડ પામ ઓઇલ, માલટોડેકસ્ટ્રીન અને ગોળના ગળપણ ધરાવતા થિકનર્સથી પ્રોસેસ કરેલી તેમજ પુષ્કળ સોડિયમ ધરાવતી આ પ્રોડક્ટ ખાઈને આપણે રાજીપો અનુભવીએ. બ્રેકફાસ્ટ સિઅરિયલ ઉપર લખ્યું હોય : 'હોલગ્રેઈન ન્યુટ્રિશન' અને 'આયર્ન રિચ'. પણ એમાં રિફાઇન્ડ સ્યુગર, સ્ટાર્ચ, આર્ટિફિસિઅલ કલર અને સિન્થેટિક ફ્લેવર તો હોય જ કે જેને આપણે વાંચીએ નહીં. 'વેગન' અને 'પ્લાંટ બેઇઝડ મિલ્ક'ની પણ ફેશન છે. આ વનસ્પતિજન્ય દૂધને એકરૂપ કરવા માટે ઇન્સ્ટ્રીયલ ગ્રેડ ઇમલ્સિફાયર વપરાય છે અને છૂપી સ્યુગર તો ખરી જ. આ સઘળી ભ્રામક જાહેરાત છે અને આપણે હાથે કરીને છેતરાઈએ છીએ. આપણે સાત્વિક છોડીને રાજસિક અને તામસિક ફૂડ તરફ વળીએ ત્યારે આવું થાય છે. આપણે એ લાગના જ છીએ!
'ઓલ નેચરલ' લખ્યું હોય એનો મતલબ એ ફૂડના ઘટકો નેચરલ હતા. હવે નથી! પ્રોસેસ્ડ જન્ક ફૂડમાં થોડા વિટામીન ઉમેરીને લખી દેવામાં આવે કે 'ઇમ્યુનિટી બૂસ્ટર' અથવા 'સપોર્ટ્સ હેલ્થ'. 'સ્યુગર ફ્રી'માં કૃત્રિમ સ્યુગર કે સ્યુગર આલ્કોહોલ હોય. 'રો' એટલે એમાં જીવંત એન્ઝાઇમ અને વિટામિન હોય પણ નેચરલ સ્યુગર અને કેલોરી નહીં હોય, 'પ્યોર' એટલે રાસાયણિક રીતે શુદ્ધ પણ એનો અર્થ એ નહીં કે એ હેલ્ધી ફૂડ છે. માર્કેટિંગ કંપનીઓ ઉપભોક્તાઓ સાથે સંતાકૂકડી રમે છે. હાઇફેટ, સ્યુગર અને સોડિયમને સંતાડે છે અને પ્રોટીન કે ઓર્ગેનિક લેબલનું કૂકડે કૂક કરે છે.
આપણે હેલ્ધીનું લેબલ જોઈને બિન્દાસ ઝાપટીએ છીએ. હેલ્ધી હોય એટલે વધારે ખાઈ શકાય એવું આપણે માનીએ છીએ. કોઈ અપરાધભાવ વગર. ગિલ્ટ ફ્રી, યૂ સી! પ્રોસેસ્ડ ફૂડની હાઈ ફેટ અને સ્યુગર પછી આપણને લત લગાડે છે અને આપણે દિલ-માંગે-મોર થવા મજબૂર થઇ જઈએ છીએ. આયુર્વેદ કહે છે કે ખોરાક જ ખોટો હોય તો દવા કામ લાગતી નથી. અને ખોરાક સાચો હોય તો દવાની જરૂર નથી.
શબ્દશેષ
''એવું કશું ય ન ખાવું જેને આપણાં પરદાદી ભોજન તરીકે જાણતા ન હોય.''

