VIDEO: Health/ હાથમાં હળવી ધ્રુજારી, સ્નાયુઓમાં જકડન એ હોઈ શકે છે 'પાર્કિન્સન' રોગના શરૂઆતી લક્ષણો!
પાર્કિન્સન ત્યારે થાય છે જ્યારે મગજમાં અમુક ચેતાકોષો, ખાસ કરીને ડોપામાઈનના ઉત્પાદન માટે જવાબદાર કોષો નબળા પડવા લાગે છે. ડોપામાઈન આપણી શરીરની ગતિ (speed) અને સંકલન (coordination)ને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જે લોકોને નાની ઉંમરે પાર્કિન્સન્સ થાય છે તેમાં તેનું ચોક્કસ કારણ હંમેશા સ્પષ્ટ હોતું નથી. ઘણીવાર આ માટે આનુવંશિક કારણો અથવા પર્યાવરણ જવાબદાર હોઈ શકે છે. કેટલાક લોકોને વારસામાં જીન મ્યુટેશન મળી શકે છે જે પાર્કિન્સન્સનું જોખમ વધારે છે. ઝેરી પદાર્થોના સંપર્કમાં આવવું, વારંવાર માથામાં ઈજા થવી અથવા લાંબા સમય સુધી તણાવ પણ ઉંમર પહેલા પાર્કિન્સન્સનું કારણ બની શકે છે. જોકે આ કારણોથી દરેક વ્યક્તિને આ રોગ થતો નથી. આ રોગને જાણવો અને સમજવો જરૂરી છે, જેથી તેનાથી બચાવ કરી શકાય.
પાર્કિન્સન્સમાં જોવા મળતા ફેરફારો:
પાર્કિન્સન્સના શરૂઆતના લક્ષણો ઘણીવાર ખૂબ જ નજીવા હોય છે અને તેને તણાવ, થાક કે સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા તરીકે સમજવાની ભૂલ થઈ શકે છે.
કંપન (Tremors): સૌથી પહેલા હાથ કે આંગળીઓમાં હળવી ધ્રુજારી જોવા મળી શકે છે, ખાસ કરીને જ્યારે તમે આરામ કરતા હોવ. જોકે, ધ્રુજારી હંમેશા પહેલું લક્ષણ હોય તે જરૂરી નથી.
શરીરમાં જકડન: શરૂઆતમાં લોકોને અંગોમાં અકડન, ધીમી ગતિ કે શરીરમાં ભારેપણું અનુભવાય છે. જે કામ પહેલા સરળ લાગતા હતા, જેમ કે શર્ટના બટન લગાવવા, લખવું કે ઝડપથી ચાલવું, તેમાં હવે વધુ મહેનત પડવા લાગે છે.
અન્ય લક્ષણો: ચાલવા-ફરવા સિવાય અન્ય લક્ષણોમાં ઊંઘની સમસ્યા, કબજિયાત, સુંઘવાની શક્તિમાં ઘટાડો, ચિંતા, ડિપ્રેશન અને થાકનો સમાવેશ થાય છે. આ લક્ષણો હલનચલન સંબંધી સમસ્યાઓ શરૂ થવાના વર્ષો પહેલા દેખાઈ શકે છે.
લખાણમાં ફેરફાર: પાર્કિન્સન્સથી પીડિત વ્યક્તિના લખાણના અક્ષરો સમય જતાં નાના અને વધુ સાંકડા (congested) થઈ શકે છે.
ચહેરાના હાવભાવ: પાર્કિન્સન્સમાં ચહેરાના હાવભાવ ઓછા થઈ શકે છે, જેનાથી ચહેરો ‘માસ્ક’ (નકાબપોશ) જેવો લાગે છે. કેટલાક લોકોને ધીમો અવાજ કે બોલવાની લઢણમાં ફેરફારનો પણ અનુભવ થાય છે.
પાર્કિન્સન્સના શરૂઆતના લક્ષણો શું છે?
લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય લક્ષણો નીચે મુજબ છે:
ધ્રુજારી જે સામાન્ય રીતે શરીરની એક બાજુથી શરૂ થાય છે.
સ્નાયુઓમાં જકડન અને અકડામણ.
ગતિ ધીમી થવી (બ્રેડીકાઈનેશિયા).
સંતુલન જાળવવામાં સમસ્યા.
ચાલતી વખતે નમી જવાની વૃત્તિ.
ચાલતી વખતે હાથોનું ઓછું હલનચલન થવું.
કોને થાય છે YOPD?
નાની ઉંમરે થતા પાર્કિન્સન્સને અર્લી-ઓનસેટ પાર્કિન્સન્સ અથવા યંગ-ઓનસેટ પાર્કિન્સન્સ (YOPD) કહેવાય છે. તે પુરુષો અને મહિલાઓ બંનેને અસર કરી શકે છે. જે લોકોના પરિવારમાં આ બીમારીનો ઇતિહાસ હોય તેમને વધુ જોખમ રહે છે.
અમુક જીનેટિક મ્યુટેશન નાની ઉંમરે થતા પાર્કિન્સન્સ સાથે જોડાયેલા છે. જે લોકો પેસ્ટિસાઇડ્સ કે ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સના સંપર્કમાં આવે છે, તેમનામાં પણ આ જોખમ વધી શકે છે. ઘણા કિસ્સાઓમાં કોઈ સ્પષ્ટ કારણ વગર પણ આ રોગ થઈ જાય છે.
શું પાર્કિન્સન્સને શરૂઆતના તબક્કે રોકી શકાય?
પાર્કિન્સન્સને રોકવાનો કોઈ નિશ્ચિત રસ્તો નથી, પરંતુ જીવનશૈલીની કેટલીક આદતો જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે:
શારીરિક સક્રિયતા: નિયમિત કસરત મગજના સ્વાસ્થ્યને સારું રાખે છે અને સંતુલન જાળવવામાં મદદ કરે છે.
સંતુલિત આહાર: ફળો, શાકભાજી અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક ચેતાતંત્રને મજબૂત બનાવે છે.
સાવચેતી: હાનિકારક કેમિકલ્સના સંપર્કથી બચવું અને માથાની ઈજાઓથી બચવું સમજદારીભર્યું છે.
પાર્કિન્સન્સની શરૂઆતની સારવાર:
જોકે આનો કોઈ કાયમી ઈલાજ નથી, પણ લક્ષણોને મેનેજ કરી શકાય છે. સામાન્ય રીતે એવી દવાઓ આપવામાં આવે છે જે મગજમાં ડોપામાઈનનું પ્રમાણ વધારે છે.
દવાઓ સિવાય:
ફિઝિયોથેરાપી: ગતિ અને લવચીકતા જાળવવા માટે જરૂરી છે.
સ્પીચ થેરાપી: અવાજમાં આવતા ફેરફારો સુધારવા માટે.
ઓક્યુપેશનલ થેરાપી: રોજિંદી પ્રવૃત્તિઓ સરળ બનાવવા માટે.
કસરત: યોગ, ચાલવું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
પાર્કિન્સન્સ પ્રત્યે જાગૃતિ જરૂરી છે. રોગની વહેલી ઓળખ અને સારવારથી દર્દીનું જીવન ઘણું સરળ બની શકે છે.

