Health Tips : કોલેસ્ટ્રોલ કેટલું વધી જાય તો હાર્ટ એટેક આવી શકે? જાણો કયા લોકોને વધુ ખતરો છે?

કોલેસ્ટ્રોલ શરીર માટે એક જરૂરી ફેટ (ચરબી) છે, જે સેલ્સ (કોષો) ના નિર્માણ, હોર્મોન્સ બનાવવા અને વિટામિન Dના પ્રોડક્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ, જ્યારે તેનું સ્તર જરૂર કરતાં વધુ વધી જાય છે, ત્યારે આ જ કોલેસ્ટ્રોલ હદૃયના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે. વધેલું કોલેસ્ટ્રોલ ધીમે-ધીમે ધમનીઓની દીવાલો પર જામવા લાગે છે, જેનાથી બ્લડ ફ્લો (લોહીનું પરિભ્રમણ) પ્રભાવિત થાય છે. આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આ જ કારણે ડોક્ટર્સ સમય-સમય પર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ (Lipid Profile Test) કરાવવાની સલાહ આપે છે, જેથી હૃદય રોગથી બચી શકાય.
કાર્ડિયોલોજિસ્ટ ડો.એ જણાવ્યું કે, હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગનું મુખ્ય કારણ બની શકે છે, પરંતુ માત્ર 'ટોટલ કોલેસ્ટ્રોલ' જોવું પૂરતું નથી. એ સમજવું પણ જરૂરી છે કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ કેટલું છે. બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં ફેટ જમા કરવાનું કામ કરે છે, જ્યારે ગુડ કોલેસ્ટ્રોલ વધારાના કોલેસ્ટ્રોલને હટાવીને હૃદય ની સુરક્ષા કરવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ લેવલ કેટલું હોવું જોઈએ?
કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર આઈડિયલ કોલેસ્ટ્રોલ લેવલ નીચે મુજબ હોવું જોઈએ:
ટોટલ કોલેસ્ટ્રોલ (Total Cholesterol): 200 mg/dLથી ઓછું.
બેડ કોલેસ્ટ્રોલ (LDL): 100 mg/dL થી ઓછું હોવું બેસ્ટ ગણાય. (જે લોકોને પહેલાથી જ હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ કે સ્ટ્રોકનું જોખમ હોય, તેના માટે LDLનો ટાર્ગેટ આનાથી પણ ઓછો હોઈ શકે છે).
ગુડ કોલેસ્ટ્રોલ (HDL): પુરુષોમાં ઓછામાં ઓછું 40 mg/dL અને મહિલાઓમાં 50 mg/dL કે તેનાથી વધુ હોવું જોઈએ.
ટ્રાઇગ્લિસરાઇડ્સ (Triglycerides): 150 mg/dLથી ઓછું રહેવું સારું માનવામાં આવે છે.
જો આમાંથી કોઈ પણ લેવલ ખોરવાય છે, તો હૃદય રોગનું રિસ્ક વધી જાય છે.
ક્યારે વધે છે હાર્ટ ડિસીઝનું જોખમ?
ડો. જણાવે છે કે જ્યારે શરીરમાં LDL અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર સતત વધેલું રહે છે, ત્યારે ધમનીઓમાં મેલ/ચરબીની ગાંઠો બનવા લાગે છે. આનાથી ધમનીઓ સાંકડી થઈ જાય છે અને હૃદય સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી. સમય જતાં આ સ્થિતિ હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટને લગતી અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સૌથી મોટી વાત એ છે કે હાઈ કોલેસ્ટ્રોલના શરૂઆતના તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી, તેથી જ તેને 'સાઈલન્ટ રિસ્ક ફેક્ટર' (Silent Risk Factor) પણ કહેવામાં આવે છે.
કયા લોકોને વધુ ખતરો છે?
એક્સપર્ટ્સના મતે, જે લોકોને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મોટાપો અથવા હાર્ટ ડિસીઝની ફેમિલી હિસ્ટ્રી (વારસો) હોય, તેણે સમય-સમય પર કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. આ સિવાય સ્મોકિંગ કરનારા, શારીરિક રીતે સક્રિય ન રહેતા લોકો અને વધુ પડતું તળેલું, મસાલેદાર કે પ્રોસેસ્ડ ફૂડ ખાનારા લોકોમાં પણ હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ ઘણું વધારે હોય છે.
ડોક્ટરની સલાહ ક્યારે લેવી?
જો તમારી લિપિડ પ્રોફાઇલ રિપોર્ટમાં LDL અથવા ટ્રાઇગ્લિસરાઇડ્સ સતત વધેલા આવતા હોય, અથવા તમને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપથી થાક લાગવો જેવા લક્ષણો અનુભવાય, તો તરત જ કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરો. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી હૃદયના જોખમને ઘણું ખરું ઓછું કરી શકાય છે.
હેલ્થ ટીપ: હૃદયને સ્વસ્થ રાખવા માટે બેલેન્સ્ડ ડાયટ (સંતુલિત આહાર) ખૂબ જરૂરી છે. તમારા ખોરાકમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, કઠોળ, ઓટ્સ અને હેલ્ધી ફેટ્સ ધરાવતી વસ્તુઓ સામેલ કરો. તળેલી વસ્તુઓ, ટ્રાન્સ ફેટ, પ્રોસેસ્ડ ફૂડ અને વધુ પડતી ખાંડવાળી વસ્તુઓ ખાવાનું ટાળો.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

