VIDEO: Health Tips/ સર્જરી પહેલા અપાતા આ ઈન્જેક્શનથી ખતરો! ડોક્ટરોને અપાઈ દવા બંધ કરવાની ચેતવણી
ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ (ISA) એ થેમિસ (Themis) કંપની દ્વારા ઉત્પાદિત ‘બ્યુપિવાકેન’ (Bupivacaine) દવાના ઉપયોગ પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની સલાહ આપી છે. સ્પાઇનલ એનેસ્થેસિયા (કરોડરજ્જુમાં અપાતા એનેસ્થેસિયા) દરમિયાન સામે આવેલી કેટલીક ગંભીર ઘટનાઓ બાદ દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.
ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, દેશભરના તમામ એનેસ્થેસિયોલોજિસ્ટ્સ (બેભાન કરવાના નિષ્ણાત ડોક્ટરો)ને કડક સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક અસરથી Themis કંપની દ્વારા બનાવવામાં આવેલી બ્યુપિવાકેન (Bupivacaine) દવાનો ઉપયોગ સ્પાઇનલ એનેસ્થેસિયા કે અન્ય હેતુઓ માટે બંધ કરી દે.
"સ્પાઇનલ એનેસ્થેસિયામાં આ દવાના ઉપયોગ બાદ ગંભીર પ્રતિકૂળ અસરો (Serious Adverse Events) સામે આવી હોવાના કારણે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે."
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ‘આ મામલાની તપાસ હજુ ચાલી રહી છે, તેથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી Themis દ્વારા ઉત્પાદિત Bupivacaineનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ નિર્ણય દર્દીઓની સુરક્ષા અને ભલાઈને ધ્યાનમાં રાખીને લેવાયો છે.’
કયા દર્દીઓને આપવામાં આવે છે આ દવા?
બ્યુપિવાકેન એ લોકલ એનેસ્થેટિક (ચોક્કસ ભાગને સુન્ન કરનારી) દવા છે. તેનો ઉપયોગ સર્જરી પહેલા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો રોકવા માટે કરવામાં આવે છે, જેથી ઓપરેશન કે સર્જરી દરમિયાન દર્દીને કોઈ પીડા ન થાય અને સારવાર આરામથી થઈ શકે.
સિઝેરિયન ડિલિવરી: આ દવા સામાન્ય રીતે પ્રસુતિ માટે આવતી મહિલાઓને સી-સેક્શન (સિઝેરિયન) ડિલિવરી પહેલા આપવામાં આવે છે.
અન્ય સર્જરીઓ: હર્નિયાની સર્જરી, દાંતની સારવાર, ઘૂંટણ કે થાપાનું ઓપરેશન, યુરોલોજી અથવા પેટની સર્જરી પહેલા આ દવા અપાય છે.
લેબર પેઈન ઘટાડવા: નોર્મલ ડિલિવરી દરમિયાન પણ એપિડ્યુરલ દ્વારા લેબર પેઈન (પ્રસુતિની પીડા) ઓછી કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
પોસ્ટ-સર્જરી: ઘણા દર્દીઓમાં ઓપરેશન પછીના અસહ્ય દુખાવાને ઓછો કરવા માટે પણ આ દવા આપવામાં આવે છે.
આ દવાનું ઈન્જેક્શન પીઠના નીચેના ભાગમાં એટલે કે સ્પાઈન (કરોડરજ્જુ)માં આપવામાં આવે છે, જેનાથી કમર નીચેનો આખો ભાગ સુન્ન થઈ જાય છે.
આ દવા કેવી રીતે કામ કરે છે અને તેના જોખમો શું છે?
આ દવા નસો (Nerves) દ્વારા મગજ સુધી પહોંચતા દર્દના સિગ્નલોને બ્લોક કરી દે છે, જેથી દર્દીને દુખાવો અનુભવાતો નથી.
જો કે, કેટલાક દર્દીઓમાં તેની આડઅસરો (Side Effects) પણ જોવા મળી શકે છે. ખાસ કરીને હૃદયની બીમારી, બ્લડ પ્રેશર (BP) અને લિવરની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે આ દવા નુકસાનકારક સાબિત થઈ શકે છે.

