VIDEO: Health/ ઓછી ઊંઘ લેવાથી ગંભીર સમસ્યાઓનું જોખમ વધે છે, જાણો કઈ રીતે બદલવી સ્લીપ પેટર્ન!
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારી અને પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે આપણું મગજ દિવસભરની માહિતીને પ્રોસેસ કરે છે અને શરીર પોતાની જાતને રિપેર (સમારકામ) કરે છે. સતત ઓછી ઊંઘ લેવાથી હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ, મેદસ્વીતા અને માનસિક સમસ્યાઓનું જોખમ વધી શકે છે. સ્વાસ્થ્ય સુધારવા માટે રોજ ઓછામાં ઓછી 7-8 કલાકની સારી ઊંઘ જરૂર લો.
હાર્ટ હેલ્થ પર ઊંઘની અસર
પૂરતી ઊંઘ શરીરના અનેક મહત્વપૂર્ણ કાર્યોને સંતુલિત રાખવામાં મદદ કરે છે. સૌથી પહેલા તેની અસર હૃદયના સ્વાસ્થ્ય પર પડે છે. ઊંઘની ઉણપથી બ્લડ પ્રેશર વધી શકે છે અને લાંબા ગાળે હૃદયરોગનું જોખમ વધે છે.
ઓછી ઊંઘ લેવાથી સ્ટ્રેસ હોર્મોન 'કોર્ટિસોલ' વધે છે, જેનાથી સોજો અને ધમનીઓમાં બ્લોકેજનું જોખમ વધી શકે છે. જે લોકો રોજ 7-8 કલાકથી ઓછું ઊંઘે છે, તેમનામાં હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. ખાસ કરીને જે લોકો 5 કલાકથી ઓછું ઊંઘે છે તેમને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે.
ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ
ઊંઘનો સીધો સંબંધ ડાયાબિટીસ અને મેટાબોલિક હેલ્થ સાથે પણ છે. ઓછી ઊંઘથી શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે. આ ઉપરાંત, ઊંઘની અછત ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સને અસર કરે છે, જેના પરિણામે મેદસ્વીતા (મોટાપો) વધવાનું જોખમ રહે છે.
માનસિક સ્વાસ્થ્ય પર અસર
ઊંઘની ઉણપ મગજ પર ગંભીર અસર કરે છે, જેના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે:
ગુસ્સો અને ચિડચિડાપણું: પૂરતી ઊંઘ ન મળવાથી વ્યક્તિમાં ચીડિયાપણું, ગુસ્સો અને લાગણીઓ પરનું નિયંત્રણ ઘટવા લાગે છે. ઘણા લોકોને 'બ્રેન ફોગ' એટલે કે મગજ સુસ્ત થઈ જવું તેવો અનુભવ થાય છે.
એન્ગ્ઝાયટી અને ડિપ્રેશન: લાંબા સમય સુધી ઓછી ઊંઘ લેવાથી તણાવ સહન કરવાની ક્ષમતા ઘટે છે, જે એન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે.
ફોકસની કમી: યાદશક્તિ નબળી પડી શકે છે અને કામ કે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે.
ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) પર અસર
જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે શરીર ઇન્ફેક્શન સામે લડતા પ્રોટીન 'સાઇટોકાઇન' અને એન્ટિબોડીઝ બનાવે છે. ઊંઘની કમીથી આ પ્રક્રિયા અવરોધાય છે અને ઇમ્યુનિટી નબળી પડે છે. તેનાથી વારંવાર શરદી-ઉધરસ કે અન્ય ચેપી રોગો થવાનું જોખમ રહે છે અને દિવસભર થાક અનુભવાય છે.
સારી ઊંઘ માટે શું કરવું? (હેલ્ધી સ્લીપ પેટર્ન)
રોજિંદી આદતોમાં ફેરફાર કરીને ઊંઘની ગુણવત્તા સુધારી શકાય છે:
રોજ સુવાનો અને જાગવાનો એક જ સમય નક્કી કરો.
સુતા પહેલા મોબાઈલ કે ટીવી જેવી સ્ક્રીનનો ઉપયોગ ટાળો.
સુતા પહેલા ચા કે કોફી પીવાનું ટાળો.
ઊંઘવા માટે શાંત અને આરામદાયક વાતાવરણ પસંદ કરો.

