Health Tips : નારિયેળ પાણી પીતા પહેલાં સાવધાન: આ લોકો માટે અમૃત જેવું પીણુ ઝેર સમાન

નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને તેમાં પોટેશિયમ સહિતના ઘણા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ મળી આવે છે. ઉનાળામાં લોકો તાજગી અને ઉર્જા મેળવવા માટે તેને પીવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને વડીલો સુધી, મોટાભાગના લોકો નારિયેળ પાણીને એક હેલ્ધી ડ્રિંક માને છે. પરંતુ શું તમે જાણો છો કે તે દરેક વ્યક્તિ માટે એકસરખું ફાયદાકારક હોતું નથી? કેટલાક લોકોએ નારિયેળ પાણી પીતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેમાં રહેલું પોટેશિયમ અને નેચરલ શુગર કેટલાક લોકોની પરેશાની વધારી શકે છે.
કિડનીના દર્દીઓ રહે સાવધાન
નારિયેળ પાણીમાં પોટેશિયમની માત્રા ઘણી વધારે હોય છે. જે લોકોને કિડનીની બીમારી છે, તેની કિડની શરીરમાંથી વધારાનું પોટેશિયમ બહાર કાઢવામાં સક્ષમ હોતી નથી. આવા કિસ્સામાં શરીરમાં પોટેશિયમનું સ્તર વધી શકે છે, જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થવાનું અને હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
લો બ્લડ પ્રેશર અથવા બીપીની દવા લેતા લોકો
નારિયેળ પાણી કુદરતી રીતે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની દવા લઈ રહી હોય, તો નારિયેળ પાણી પીવાથી તેનું બ્લડ પ્રેશર જરૂરિયાત કરતાં વધુ ઘટી શકે છે. આનાથી ચક્કર આવવા, નબળાઈ લાગવી કે બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ
જો કે નારિયેળ પાણીમાં રહેલી શુગર કુદરતી (નેચરલ) હોય છે, તેમ છતાં તેમાં ખાંડની માત્રા તો હોય જ છે. ડાયાબિટીસના દર્દીઓ જો વધુ માત્રામાં નારિયેળ પાણી પીવે છે, તો તેની અસર તેમના બ્લડ શુગર લેવલ પર પડી શકે છે. તેથી તેને પોતાના ડાયટમાં સામેલ કરતા પહેલાં ડોક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ લેવી વધુ હિતાવહ છે.
એલર્જી ધરાવતા લોકો
કેટલાક લોકોને નારિયેળ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટ્સથી એલર્જી હોઈ શકે છે. આવા લોકોને નારિયેળ પાણી પીવાથી ત્વચા પર રૅશસ (લાલ ચામડી થવી), પેટની તકલીફ અથવા ગંભીર કિસ્સાઓમાં એલર્જિક રિએક્શન આવી શકે છે. તેથી એલર્જીની સમસ્યા હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.
નોંધ આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

