હાડકાં લોખંડ જેવા મજબૂત બનાવશે આ 7 કેલ્શિયમ રિચ ખોરાક, દૂધ કરતાં પણ છે વધુ ફાયદાકારક

આપણા શરીરના માળખાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ છે. હાડકાં અને દાંતની મજબૂતી સિવાય સ્નાયુઓના કામકાજ, નસ અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ કેલ્શિયમ અત્યંત જરૂરી છે. જ્યારે પણ શરીરમાં કેલ્શિયમની પૂર્તિની વાત આવે છે, ત્યારે સૌથી પહેલો વિચાર દૂધનો આવે છે, પરંતુ ઘણા લોકોને દૂધનો સ્વાદ ગમતો નથી અથવા તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ (દૂધ પચવામાં તકલીફ)ની સમસ્યા હોય છે. જો તમને પણ દૂધ પીવું પસંદ નથી, તો ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કુદરતમાં એવી ઘણી શાકાહારી વસ્તુઓ ઉપલબ્ધ છે જેમાં દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ મળી આવે છે. ચાલો જાણીએ આ સુપરફૂડ્સ વિશે જે તમારા હાડકાંને મજબૂત બનાવશે.
આ સુપરફૂડ્સમાંથી મળશે કેલ્શિયમ
તલ: નાના દેખાતા તલ કેલ્શિયમનો પાવરહાઉસ માનવામાં આવે છે. માત્ર એક ચમચી તલમાં દૂધના એક ગ્લાસ કરતાં પણ વધુ કેલ્શિયમ હોય છે. તલમાં કેલ્શિયમ સિવાય મેગ્નેશિયમ, ઝિંક અને કોપર જેવા મિનરલ્સ પણ હોય છે જે હાડકાંના ઘનત્વ (Bone Density)ને જાળવી રાખે છે. તેને સલાડ, સ્મૂધી કે લાડુ બનાવીને આહારમાં સામેલ કરી શકાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી: પાલક, મેથી, બ્રોકોલી અને સરસવ જેવા લીલા શાકભાજી કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે. બ્રોકોલી અને પાલકમાં કેલ્શિયમની સાથે વિટામિન K અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિટામિન K કેલ્શિયમને હાડકાંમાં શોષાવવામાં મદદ કરે છે. રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજીનો સૂપ કે શાક તરીકે ઉપયોગ કરવો જોઈએ.
બદામ: સૂકા મેવામાં બદામ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. લગભગ એક મુઠ્ઠી બદામમાંથી શરીરને જરૂરી કેલ્શિયમની સારી માત્રા મળી રહે છે. આ સિવાય તેમાં હેલ્ધી ફેટ્સ અને વિટામિન E પણ હોય છે. દરરોજ રાત્રે 4-5 બદામ પલાળીને સવારે ખાવાથી તેના પોષક તત્વો શરીરમાં ઝડપથી શોષાય છે.
રાગી, સોયાબીન અને પનીર : ધન્ય વર્ગમાં રાગી કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે. 100 ગ્રામ રાગીમાં આશરે 344 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. રાગીની રોટલી, શીરો, ઢોંસા કે રાબ બનાવીને ખાવાથી બાળકો અને વૃદ્ધો બંનેના હાડકાં મજબૂત થાય છે. શાકાહારી લોકો માટે સોયા પ્રોડક્ટ્સ અને પનીર કેલ્શિયમ અને પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. સોયા મિલ્ક, ટોફુ (સોયા પનીર) અને ડેરી પનીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે જે હાડકાં નબળા પડવાની સમસ્યા (ઓસ્ટિઓપોરોસિસ) થી બચાવે છે.

