Video: ઉત્તર ભારતમાં શિયાળાનો પ્રકોપ, પહાડથી મેદાન સુધી ઠંડી

સોર્સ: gstv

દક્ષિણ ભારતના તમિલનાડુમાં આવેલા દિતવાહ ચક્રવાતને કારણે ઉત્તર ભારતમાં શિયાળાએ જોર પકડ્યું છે અને પહાડી વિસ્તારોથી લઈને મેદાની પ્રદેશો સુધી ઠંડીનો ચમકારો તીવ્ર બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કાતિલ શીત લહેર અને માઈનસ તાપમાન વચ્ચે શ્રીનગર સહિતના વિસ્તારોમાં ઠંડીએ જોર પકડ્યું છે, જ્યાં પહલગામ, ગુલમર્ગ અને શોપિયાં જેવા સ્થળોએ તાપમાન શૂન્યથી નીચે ગગડતા જળાશયો અને નાળાઓ પર પણ ઠંડીની સ્પષ્ટ અસર દેખાવા લાગી છે. સવારના સમયે ઘાટીના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળ છવાઈ રહી છે, જ્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાત્રિના લઘુત્તમ તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાની પૂરી શક્યતા છે. સ્થાનિક નાગરિકો અને બહારથી આવતા પ્રવાસીઓ ગરમ ઊની વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે બર્ફીલા પવનો ફૂંકાતા રોજિંદા કામકાજ અને જનજીવન પર ઠંડીની સીધી અસર પડી રહી છે. આ ઉપરાંત ઉત્તર કાશ્મીર અને દક્ષિણ કાશ્મીરના અનેક ગામોમાં વહેલી સવારે બરફના હળવા થર જામવા લાગ્યા છે અને સ્થાનિક લોકોએ પાણીની પાઈપલાઈન થીજી ન જાય તે માટે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે.

કાશ્મીરની સાથોસાથ હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીનું જોર વધ્યું છે અને શિમલા તથા મનાલી સહિતના પર્વતીય વિસ્તારોમાં સવાર-સાંજ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ઊંચાઈવાળા પહાડી શિખરો, ખીણો અને ઘાટીઓમાં તાપમાન ઘટતા સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મનાલી, કલ્પા, કુફરી અને લાહૌલ-સ્પીતિ જેવા વિસ્તારોમાં રાત્રિનું તાપમાન ઠંડુંગાર બની ગયું છે, જ્યારે શિમલામાં પણ દિવસના હળવા તડકા પછી સાંજ પડતા જ ઠંડીમાં નોંધપાત્ર વધારો થાય છે. ઉત્તરાખંડના પહાડી અને મેદાની ભાગોમાં પણ ઠંડી વધી છે અને નૈનીતાલ, મસૂરી, ચમોલી તથા ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીના કારણે સાંજ પછી બહાર નીકળવાનું મુશ્કેલ બની રહ્યું છે. પહાડી રાજ્યોમાં વધતી ઠંડીને કારણે પ્રવાસન સ્થળોએ ગરમ કપડાં, સ્વેટર, જેકેટ અને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે તથા વહેલી સવારની મુસાફરી અને વાહનવ્યવહારમાં સાવચેતી રાખવાની જરૂર ઊભી થઈ છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા હોટલો અને રિસોર્ટ્સમાં પણ હીટર અને ગરમ પાણીની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જાહેરાત

પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા અને સૂકા પવનોની અસર હવે ભારતના મેદાની વિસ્તારોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને વહેલી સવારે ધુમ્મસ છવાવાની સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનના સીકર, ચુરુ અને માઉન્ટ આબુ જેવા વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધુ વર્તાઈ રહ્યો છે, જ્યારે દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન નીચે સરકતા સવાર-સાંજ ઠંડીનો અહેસાસ વધી ગયો છે. ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર, આગરા, વારાણસી અને પશ્ચિમ યુપી સહિતના ભાગોમાં ઠંડી અને સવારના ધુમ્મસને કારણે જનજીવન પર અસર પડી રહી છે અને વાહનચાલકોને સવારના સમયે સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સૂચના અપાઈ છે. પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં પણ સવારના સમયે દૃશ્યતા ઓછી થતા રેલ અને માર્ગ પરિવહન પર અસર પડી રહી છે, જ્યારે હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો પ્રકોપ યથાવત્ રહેવાની પૂરી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત