'જે સંસદમાં ન બોલવા દીધું, તે દેશ સમક્ષ મૂકીશ': વિદ્યાર્થી આંદોલન મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો મુદ્દો ઉઠાવતા ભાજપ સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે ગૃહમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓનું નામ લીધું, ત્યારે ભાજપે તેમને બોલવા દીધા નહોતા, અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે 6 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે. જે વાતો તેમને સંસદની અંદર બોલવા દેવામાં આવી નથી, તે તમામ બાબતો, આ પ્રેસ કોન્ફરન્સમાં દેશ સમક્ષ મુકશે.
સોશિયલ મીડિયા X પર રાહુલની પોસ્ટ
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે સંસદમાં મારા ભાષણ દરમિયાન મેં દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતાનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને આ માટે જવાબદાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ લીધું હતું. પરંતુ ભાજપે મને બોલવા ન દીધો. તેઓ સંસદમાં મારું માઈક બંધ કરી શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના અવાજનો પડઘો કોઈ રોકી શકશે નહીં.'

