પશ્ચિમ બંગાળ: ટીએમસીના 60 ધારાસભ્યો તૂટ્યા, સ્પીકરે બળવાખોર જૂથને આપી માન્યતા!

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અંદરખાને મોટા રાજકીય ધરતીકંપનો સામનો કરી રહી છે. સોમવારે પાર્ટીમાંથી નિષ્કાસિત કરાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજીના દાવાએ મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી દીધો છે.
સ્પીકરે બળવાખોર જૂથને TMC તરીકે માન્યતા આપી દીધી
બુધવારે એક મોટા ઘટનાક્રમમાં, ઋતબ્રત બેનરજીના જૂથ દ્વારા વિધાનસભા અધ્યક્ષ રથીન્દ્ર બોસને 60 ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપવામાં આવ્યું હતું. સ્પીકરે આ બળવાખોર જૂથને માન્યતા આપી દીધી છે, જેનાથી પાર્ટીના સત્તાવાર નેતૃત્વ સામે મોટું સંકટ ઉભું થયું છે.
જૂથ દ્વારા જાહેર કરાયેલું નવું માળખું નીચે મુજબ છે:
TMC ધારાસભ્ય દળના નેતા: ઋતબ્રત બેનરજી
ઉપનેતા: જાવેદ ખાન, સંદીપન સાહા અને સિઉલી સાહા
ચીફ વ્હિપ: અખરુજ્જમાન
બળવાખોર ધારાસભ્યોને મમતા બેનરજી નહીં, અભિષેક બેનરજી સામે વાંધો
આ જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મમતા બેનરજીને જ પાર્ટી પ્રમુખ તરીકે માન આપે છે, પરંતુ અભિષેક બેનરજીના નેતૃત્વ અને તેમના નિર્ણયોને સ્વીકારવાનો તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
મહારાષ્ટ્ર જેવું પુનરાવર્તન
જો ઋતબ્રત બેનરજીનો આ દાવો સાચો પડે, તો TMCમાં બે ફાડિયા પડવા નિશ્ચિત છે. મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદે અને અજિત પવારના જૂથે પોતપોતાની પાર્ટીનું નામ અને પ્રતીક મેળવવા માટે કાનૂની જંગ લડ્યો હતો, તેવી જ સ્થિતિ હવે બંગાળમાં જોવા મળી શકે છે.
મમતા બેનરજીના નેતાઓએ ધારાસભ્યોની ખોટી સહી કરી હોવાનો આરોપ
આ વિવાદની શરૂઆત 6 મેના રોજ થઈ હતી, જ્યારે ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહાએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના ઠરાવ દસ્તાવેજ પર નેતા વિપક્ષ અને અન્ય હોદ્દેદારોના નામ નક્કી કરવા માટે તેમની સહીઓ બનાવટી રીતે કરવામાં આવી હતી. આ આક્ષેપ બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પાર્ટીની અંદરનો મુખ્ય વિવાદ અભિષેક બેનરજીની નેતાગીરી અને પક્ષમાં IPACની વધતી દખલગીરીને લઈને છે. સોમવારે ધારાસભ્ય કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે આ બળવાખોર નેતાઓ પાર્ટી તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઋતબ્રત બેનરજી અને સાહા MLA હોસ્ટેલમાં અનેક ધારાસભ્યો સાથે મુલાકાત કરીને પોતાની તાકાત વધારી રહ્યા છે.
હું તૃણમૂલમાં જ છું, અભિષેક બેનરજીની કોઈ હેસિયત નથી: ઋતબ્રત બેનરજી
ઋતબ્રત બેનરજીએ ગઈકાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પક્ષે મને કાઢી મૂક્યો છે પણ હું માનું છું કે હું હજુ TMCમાં જ છું અને વિધાનસભામાં અભિષેક બેનરજીની કોઈ હેસિયત નથી.
પ. બંગાળ વિધાનસભામાં બેઠકોનું ગણિત શું કહે છે?
વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો છે. નવા જૂથને માન્યતા મેળવવા માટે બંધારણીય રીતે 52 ધારાસભ્યોની જરૂર છે. ઋતબ્રત બેનરજી પાસે TMCના મોટાભાગના ધારાસભ્યોનો ટેકો છે. તેથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ જૂથ સુરક્ષિત ગણાશે અને તેઓ પાર્ટીના નામ તથા સિમ્બોલ પર પોતાનો દાવો મજબૂત કરી શકશે.

