VIDEO: "વિશ્વગુરુ દાવાઓ કરે છે પણ મંત્રીઓને હટાવી નથી શકતા!" NEET મામલે CJP વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી થતાં અખિલેશ યાદવ લાલચોળ
NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કાર્યવાહીને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, "અમારા સાંસદોને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બહાર માસૂમ બાળકોને માર મારવામાં આવી રહ્યો છે. આ કયા પ્રકારની સરકાર છે? તમે દેશના ભવિષ્ય એવા બાળકોનું સાંભળવા જ નથી માગતા."
સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું, "જો NEET પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોય તો તેનો જવાબદાર કોણ છે? કોની વિશ્વસનીયતા દાવ પર લાગી છે? આ પરીક્ષાની તૈયારીઓ કરવાની જવાબદારી કોની હતી? તમે 'વિશ્વગુરુ' બનવાની વાતો કરો છો અને દાવો કરો છો કે દેશ 'અમૃતકાળ'માં છે, છતાં તમે તમારા પોતાના મંત્રીઓને હટાવી શકતા નથી."
રોજગારીના મુદ્દે સરકારને ઘેરતા તેમણે કહ્યું કે, "સરકારે દેશના યુવાનોને નોકરીઓ કે રોજગારી આપી નથી. જો યુવાનોને નોકરીઓ મળી હોત તો શું તેઓ આ રીતે રસ્તા પર ઉતરવા માટે મજબૂર થત? અત્યારે સૌથી પ્રાથમિક સવાલ એ છે કે NEETના તમામ પીડિત વિદ્યાર્થીઓને ન્યાય મળે અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવે."
મહાત્મા ગાંધી અને આંદોલનના અધિકારનો ઉલ્લેખ કરતા અખિલેશ યાદવે કટાક્ષ કર્યો હતો કે, "જ્યારે લોકો વિરોધ કરવા બેસતા હતા ત્યારે બ્રિટિશ શાસકો પણ તેમનો અવાજ સાંભળતા હતા. આ જ કારણે આજે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીને પૂજવામાં આવે છે, કારણ કે તેમણે શાંતિપૂર્ણ આંદોલનનો માર્ગ બતાવ્યો હતો. આ સરકાર જે રીતે પ્રદર્શનકારીઓને હટાવી રહી છે, તેને જોતા એવું લાગે છે કે રસ્તા પરથી આંદોલનકારીઓ નહીં પણ ટૂંક સમયમાં આ સરકારની જ 'માનભેર વિદાય' થઈ જશે."

