Video: હરિયાણના ગુરુગ્રામમાં મેટા ઓફિસ બહાર કોંગ્રેસ યુવા પાંખનું ઉગ્ર વિરોધ પ્રદર્શન; વિપક્ષી અવાજો દબાવવાના આરોપ સાથે ઉતરેલા કાર્યકરો પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

દેશના રાજકારણમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ભૂમિકા અને નિષ્પક્ષતાને લઈને કથિત મોટો વિવાદ ઊભો થયો છે. હરિયાણાના ગુરુગ્રામમાં આવેલી દિગ્ગજ ટેક કંપની મેટાની ઓફિસની બહાર કોંગ્રેસની યુવા પાંખ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસનો આરોપ છે કે મેટા વિપક્ષના અવાજને સેન્સર કરી રહી છે.પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે પાણીનો મારો પણ ચલાવ્યો હતો.
વપરાશકર્તાઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત મેટાનું સૌથી મોટું બજાર છે, પરંતુ હાલ દેશમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસની યુવા પાંખ એટલે કે યુથ કોંગ્રેસના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો ગુરુગ્રામ સ્થિત મેટાના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા અને વિખેરવા માટે હરિયાણા પોલીસે પાણીના તોપ એટલે કે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોંગ્રેસ યુવા પાંખે દાવો કર્યો હતો કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા તેના કાર્યકરો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને તેમને ગંદા પાણીથી ભીંજવવામાં આવ્યા હતા. કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની માંગ કરી રહેલા વિરોધીઓ સામે બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના દરમિયાન પોલીસે કેટલાક સમર્થકોની અટકાયત પણ કરી હતી, જોકે બાદમાં તમામને છોડી મૂકવામાં આવ્યા હતા.
આ સમગ્ર વિવાદના મૂળમાં કોંગ્રેસના એ ગંભીર આરોપો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મેટા જાણીજોઈને વિપક્ષી સામગ્રી એટલે કે કન્ટેન્ટને પ્રતિબંધિત કરી રહી છે અને તેની આ કાર્યવાહીથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડી રહી હોવાનો આરોપ છે. કોંગ્રેસની મુખ્ય ચિંતા એ છે કે આગામી વર્ષે વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમો રાજકીય પ્રચારમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવવાના છે. જો આ પ્રકારના પ્રતિબંધો યથાવત રહેશે, તો ચૂંટણી પહેલા વિપક્ષને મોટું રાજકીય નુકસાન પહોંચી શકે છે. બીજી તરફ, મેટાએ આ વિરોધ પ્રદર્શનો પર કોઈ જાહેર ટિપ્પણી કરી નથી, પરંતુ કંપનીએ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતમાં સ્થાનિક કાયદાઓ અનુસાર જ સામગ્રી પર નિયંત્રણ મૂકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ સાથે બંધ બારણે થયેલી એક બેઠકમાં પણ મેટાએ ખાતરી આપી હતી કે તે તમામ રાજકીય પક્ષો પ્રત્યે સંપૂર્ણપણે તટસ્થ વલણ અપનાવે છે.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ચૂંટણી અને લોકમત ઘડવાનું સૌથી શક્તિશાળી માધ્યમ બની ગયું છે. મેટા દ્વારા તટસ્થતાના દાવા કરવામાં આવી રહ્યા હોવા છતાં, કોંગ્રેસના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણીઓ પહેલા સોશિયલ મીડિયાની નીતિઓ અને પારદર્શિતાનો મુદ્દો રાજકીય વર્તુળોમાં વધુ ગરમાશે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ બાદ ટેક કંપનીઓ અને રાજકીય પક્ષો વચ્ચેનો આ સંઘર્ષ કયો નવો વળાંક લે છે.










