કોડનેમ CC1..., RAW અધિકારી વિકાસ યાદવ, જેના પર FBIએ લગાવ્યો છે પન્નુની હત્યાના કાવતરાનો આરોપ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક ભારતીય નાગરિક વિરુદ્ધ અમેરિકામાં આર

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક ભારતીય નાગરિક વિરુદ્ધ અમેરિકામાં આરોપો ઘડવામાં આવ્યા છે. આ ભારતીય નાગરિકનું નામ વિકાસ યાદવ છે. અગાઉ મૂળ ચાર્જશીટમાં વિકાસ યાદવનો ઉલ્લેખ સીસી-1 તરીકે કરવામાં આવ્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી પર આરોપ મૂક્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે અધિકારીનું નામ વિકાસ યાદવ છે, જે અત્યાર સુધી અમેરિકામાં હતો. પરંતુ થોડા સમય પહેલા તેને ભારત પરત બોલાવવામાં આવ્યો છે.
અમેરિકા અને ભારત બંનેએ ગુરુવારે કહ્યું હતું કે, સંબંધિત અધિકારીને હટાવવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું હતું કે અમે ભારત દ્વારા આ મામલાની તપાસથી સંતુષ્ટ છીએ. અમેરિકાનું કહેવું છે કે અમે વિકાસ યાદવ પર ત્રણ આરોપ લગાવ્યા છે, જેમાંથી બે મુખ્ય આરોપ પન્નુની હત્યા અને મની લોન્ડરિંગનું કાવતરું છે.
ગુરપતવંત સિંહ પન્નુને ભારતે આતંકવાદી જાહેર કર્યો છે. હાલ તેની પાસે અમેરિકન નાગરિકતા છે. યુએસ એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડે કહ્યું, 'આજના આરોપો દર્શાવે છે કે, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અમેરિકનોને નિશાન બનાવવા, જોખમમાં મૂકવાના અને તેમના અધિકારોને કમજોર કરવાના પ્રયાસોને સહન કરશે નહીં. જેના દરેક અમેરિકી નાગરિક હકદાર છે.
વિકાસ યાદવ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, તે હવે સરકારી અધિકારી નથી. અમેરિકી ન્યાય વિભાગનું કહેવું છે કે, તે હાલમાં ફરાર છે. અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ આ અંગે નિવેદન જારી કરીને કહ્યું, 'એફબીઆઈ હિંસાની ઘટનાઓને સ્વીકારશે નહીં. આ સિવાય અમેરિકામાં રહેતા લોકો પાસેથી બદલો લેવાનો પ્રયાસ પણ સ્વીકાર્ય નથી. અમેરિકામાં રહેતા લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તે મહત્ત્વનું છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે, પન્નુની હત્યાના કાવતરાની શરૂઆત મે 2023માં શરૂ થઈ હતી. અમેરિકન એજન્સીઓનો આરોપ છે કે, વિકાસ યાદવ આમાં સામેલ હતો. તે ભારતમાં અને બહાર કામ કરતા એજન્ટો સાથે સંકળાયેલો હતો. ભારતે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કરીને તેને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે વિકાસ યાદવે પોતે નિખિલ ગુપ્તા નામના વ્યક્તિને ભાડે રાખ્યો હતો. આ વ્યક્તિને પન્નુની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી. નિખિલ ગુપ્તા સામે આ બાબતે સૌથી પહેલા અમેરિકાએ તપાસ શરૂ કરી હતી.
અમેરિકાની મેનહટન કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિકાસ યાદવે ગુપ્તાને નોકરીએ રાખ્યા બાદ ગુપ્તાએ જ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નિખિલ ગુપ્તા ગયા વર્ષે જૂનમાં ભારતથી પ્રાગ ગયો હતો. અહીં તેની ચેક સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પછી અમેરિકા પ્રત્યાર્પણ કરી દેવામાં આવ્યો. કોર્ટમાં નિખિલ ગુપ્તાએ નિર્દોષ હોવાની દલીલ કરી હતી. યુએસ એટર્ની જનરલે કહ્યું કે તાજેતરના આરોપો દર્શાવે છે કે અમેરિકા તેના કોઈપણ નાગરિકની સુરક્ષા સાથે ચેડા થવા દેશે નહીં. તમામ નાગરિકોનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે.






