વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી, પૂર્વ CMનો થલપતિ વિજય પર આકરો પ્રહાર

તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા થલપતિ વિજય સતત વિપક્ષના નિશાના પર છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) નેતા સ્ટાલિને આરોપ લગાવ્યો છે કે, TVK તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ની ઝેરોક્ષ કોપીની જેમ કામ કરી રહી છે. સ્ટાલિને દાવો કર્યો કે, વિપક્ષને નબળો પાડવા માટે મુખ્યમંત્રી વિજયની આ નવી નવેલી પાર્ટી AIADMKના ધારાસભ્યોની ખરીદી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મોટી સંખ્યામાં AIADMKના કાર્યકરો અને નેતાઓ વિજયની પાર્ટીમાં જોડાયા છે.
થલપતિ વિજય પર આકરા પ્રહારો
DMKની મહિલા વિંગને સંબોધિત કરતા પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને થલપતિ વિજય પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર બરાબર એ જ મોડલ પર કામ કરી રહી છે, જે મોડલ પર ભાજપ રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે. જેવી રીતે ભાજપ વિપક્ષી ધારાસભ્યોને પોતાની તરફ ખેંચીને સામેના પક્ષને નબળો પાડી દે છે, બરાબર એ જ રીતે TVK પણ ધારાસભ્યોને ખરીદી રહી છે.

