મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિજિલન્સ તપાસને મંજૂરી, ₹2 કરોડની લાંચ માગ્યાનો આરોપ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિજિલન્સ તપાસને મંજૂરી, ₹2 કરોડની લાંચ માગ્યાનો આરોપ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે તેમના કેરળમાં સરકારી અધિકારી તરીકેના જૂના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપોની તપાસનો માર્ગ ખુલ્યો છે. કેરળ સરકારે રાજ્યના વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો (VACB)ને આ મામલે તપાસ કરવાની મંજૂરી આપી છે. કેરળના મંત્રી રમેશ ચેન્નિતલાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આરોપો તે સમયના છે જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળમાં લોક નિર્માણ વિભાગ (PWD)ના સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદ મુજબ, તેમણે રોડ પ્રોજેક્ટનાં બિલ પાસ કરાવવા માટે કથિત રીતે ₹2 કરોડની લાંચ માગી હતી.

શું છે ₹2 કરોડની લાંચનો મામલો?

મંત્રી રમેશ ચેન્નિતલાના જણાવ્યા અનુસાર, સજ્જન કુમાર નામના વ્યક્તિએ આ અંગે ફરિયાદ કરી છે. આરોપ છે કે જ્ઞાનેશ કુમારે PWD સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન રોડ પ્રોજેક્ટનાં બાકી બિલની ચુકવણી માટે ₹2 કરોડની લાંચની માગણી કરી હતી. આ મામલો 'PATI-BEL' નામના કન્સોર્ટિયમ સાથે જોડાયેલો છે. આ કન્સોર્ટિયમ તિરુવનંતપુરમથી અંગમાલી સુધીના મેન સેન્ટ્રલ રોડ પ્રોજેક્ટ (Main Central Road Project) પર કામ કરી રહ્યું હતું.

જાહેરાત

મલેશિયાઈ એન્જિનિયરની આત્મહત્યાનો પણ ઉલ્લેખ

આ સમગ્ર વિવાદમાં મલેશિયાઈ કંપનીના પ્રોજેક્ટ ઓફિસર લી સી બીનની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આક્ષેપ છે કે PWD તરફથી બિલોની ચુકવણી ન થવાને કારણે કંપની પર આર્થિક દબાણ વધ્યું હતું અને તેના પરિણામે તેમણે આત્મહત્યા કરી હતી. જોકે, આ તમામ બાબતો હાલ તપાસ હેઠળના આરોપો છે.

2006માં પણ તપાસ થઈ હતી

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act)ની કલમ 17A હેઠળ સરકારી કર્મચારી સામે સત્તાવાર ફરજ દરમિયાન લેવાયેલા નિર્ણયને લગતી તપાસ શરૂ કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે. વિજિલન્સ વિભાગની કાનૂની સલાહ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હોવાનું ચેન્નિતલાએ જણાવ્યું હતું. આ મામલે વર્ષ 2006માં પણ તપાસ શરૂ થઈ હતી, પરંતુ ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. હવે નવી ફરિયાદોના આધારે તપાસ ફરી આગળ વધારવાની તૈયારી છે. તપાસમાં આરોપોની સત્યતા અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત