VIDEO:શિમલામાં મુશળધાર વરસાદનો કહેર!
હિમાચલ પ્રદેશની રાજધાની અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિમલામાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પહાડી વિસ્તારોમાં અવિરત વરસી રહેલા આ ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ શહેરમાં અચાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક રહીશોની સાથે-સાથે ત્યાં આવેલા પ્રવાસીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શિમલાના મુખ્ય માર્ગો અને બજારોમાંથી ચોતરફ નદીઓની જેમ વહેતા પાણી અને બિસ્માર બનેલા રસ્તાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના લીધે પ્રવાસીઓની ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પહાડી ઢોળાવ પરથી વહીને આવતા પાણી અને કાદવના કારણે કેટલાક રહેણાંક વિસ્તારો તેમજ નીચાણવાળા મકાનોમાં પણ પાણી ઘૂસી જતાં ભારે નુકસાનના અહેવાલ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ પહાડી રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. પ્રશાસન દ્વારા ડ્રેનેજ સિસ્ટમ સાફ કરીને ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જેથી સ્થિતિને વહેલી તકે સામાન્ય કરી શકાય..

