TCS ધર્માંતરણ કેસમાં પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલની મુશ્કેલી વધી, પોલીસે કેસ નોંધી શરૂ કર્યો સકંજો!

TCS ધર્માંતરણ કેસમાં પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલની મુશ્કેલી વધી, પોલીસે કેસ નોંધી શરૂ કર્યો સકંજો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્રના નાસિક સ્થિત બહુચર્ચિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) શાખાના કથિત યૌન શોષણ અને ધર્માંતરણ મામલે એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ કરી રહેલી નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ઇમ્તિયાઝ જલીલ પર આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને છત્રપતિ સંભાજીનગરમાં ગેરકાયદેસર રીતે આશરો (પનાહ) આપવા અને સંરક્ષણ પૂરું પાડવાનો ગંભીર આરોપ છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ નિદા ખાન લાંબા સમય સુધી ફરાર રહી હતી, જેને બાદમાં સંભાજીનગરના નારેગાંવ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હતી. પૂછપરછ અને તપાસ દરમિયાન સામે આવેલા પુરાવાઓને આધારે SIT દ્વારા હવે જલીલ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે, નાસિક TCS કેન્દ્રની કેટલીક મહિલા કર્મચારીઓએ નોકરી દરમિયાન માનસિક-શારીરિક શોષણ તેમજ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલે પોલીસે અગાઉ કડક કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ પણ રજૂ કરી હતી. હવે AIMIMના કદાવર નેતાનું નામ આરોપી તરીકે સામે આવતાં સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત