VIDEO: Train Accident: વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા

મોડી રાતે લગભગ 2:30 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની.

અમદાવાદ આવી રહી હતી ટ્રેન
અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને ટ્રેનની સંપૂર્ણ તપાસમાં પુષ્ટિ મળી હતી કે કોઈને ઈજા થઈ નથી.

ટ્રેનોની અવર-જવરને અસર
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે.





