Video: પિંક સિટી જયપુરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં પ્રવાસીઓની લાગી ભીડ

રાજસ્થાનની રાજધાની અને દેશની પ્રખ્યાત 'પિંક સિટી' તરીકે ઓળખાતા જયપુરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ પ્રવાસન મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે.આ આહલાદક વાતાવરણમાં દેશના ખૂણે-ખૂણેથી આવતા સ્થાનિક સૈલાનીઓ સાથે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ જયપુરની મુલાકાતે ઉમટી પડ્યા છે.જયપુરના ઐતિહાસિક વૈભવ, રાજપૂતાના સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાને જોઈને અહીં આવતા તમામ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.વિશ્વપ્રસિદ્ધ આમેરનો કિલ્લો, અદભુત ઝરૂખા ધરાવતો હવા મહેલ, સરોવર વચ્ચે વિરાજમાન જલ મહેલ, પહાડી પર સ્થિત નાહરગઢ કિલ્લો, જંતરમંતર અને ભવ્ય સિટી પેલેસ જેવા પ્રવાસન સ્થળો હાલ પ્રવાસીઓની ભારે ચહલપહલથી ધમધમી રહ્યા છે.પહાડીઓ અને તળાવોની પૃષ્ઠભૂમિમાં પિંક કલરના પથ્થરોથી બનેલી આ ઐતિહાસિક ઈમારતોની ભવ્ય કારીગરી અને વારસો પ્રવાસીઓના મન મોહી રહ્યો છે.
જયપુરની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓ અહીંના સ્થાપત્ય અને મહેમાનોના ભવ્ય સ્વાગતથી અત્યંત પ્રભાવિત થઈ રહ્યા છે.વિવિધ દેશોમાંથી આવેલા સૈલાનીઓ પોતાના અનુભવો શેર કરતા ઉત્સાહભેર કહી રહ્યા છે કે, આવું અદભુત સ્થાપત્ય અને રોયલ કલ્ચર અમે જીવનમાં ક્યારેય જોયું નથી..અહીંની રાજાશાહી પરંપરાઓ, ભવ્ય કિલ્લાઓનું નકશીકામ, રંગબેરંગી હસ્તકળા અને પરંપરાગત રાજસ્થાની ખાનપાન વિદેશીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.પિંક સિટીની સુંદરતાથી મંત્રમુગ્ધ થયેલા વિદેશી મહેમાનો ભારતીય સંસ્કૃતિના અતિથિ દેવો ભવ:ના ભાવથી ભાવવિભોર થઈ રહ્યા છે.અનેક વિદેશી પ્રવાસીઓ તો એવું પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ શહેરનો જાદુ એવો છે કે તેઓ વારંવાર જયપુરની મુલાકાત લેવા માંગે છે અને પોતાના દેશમાં જઈને પણ આ રોયલ હેરિટેજના વખાણ કરશે.
ગુલાબી નગરી જયપુર દર વર્ષે શિયાળાની ઋતુમાં દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું એટલે કે ઓલ-ટાઈમ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહે છે.ભવ્ય ઐતિહાસિક વારસો, કલા-સંસ્કૃતિ અને સુસજ્જ પ્રવાસન સુવિધાઓને કારણે જ જયપુર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે, જે દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરે છે.શિયાળા દરમિયાન અહીં આયોજિત થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્રાફ્ટ ફેર અને ગ્રાન્ડ ફેસ્ટિવલ્સને કારણે પ્રવાસીઓનો ઘોડાપૂર પ્રવાહ સતત જળવાઈ રહે છે.સ્થાપત્ય કળા, ભવ્ય ઇતિહાસ અને આતિથ્ય સત્કારનું આ અનોખું સંગમ જયપુરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર એક અલગ અને ચમકતી ઓળખ આપે છે, જેના કારણે જ દર શિયાળે વિશ્વભરના સૈલાનીઓ માટે પિંક સિટી પહેલી પસંદ બની જાય છે.બ્યુરો રિપોર્ટ જીએસટીવી








