VIDEO: ગુજરાત સહિત 12 રાજ્યોમાં મેઘમહેરનું એલર્ટ, ભારે વરસાદ સાથે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી
અમદાવાદ : ચાર મહિના લાંબી ચોમાસાની સિઝન હવે પૂર્ણતા આરે છે ત્યારે દેશભરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ચોમાસાની સક્રિયતા ફરી વધતાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવાર, 19 સપ્ટેમ્બરે ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે.
12 રાજ્યોમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં પણ ચોમાસાની સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે.
ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ સક્રિય થતાં શુક્રવારે અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ અને અંડરપાસમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પહાડોમાં હિમવર્ષાથી ઠંડી વધી
બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા શરૂ થતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉત્તરાખંડના ચમોલી, હેમકુંડ સાહિબ, કેદારનાથ અને રુદ્રનાથ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ છે. કેદારનાથ ધામમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું છે.
કેદારનાથ યાત્રાળુઓ માટે સાવચેતી
હિમવર્ષા અને બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને તંત્રએ કેદારનાથ યાત્રાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. યાત્રાળુઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

