VIDEO: અલ નીનોની અસર! દેશમાં ગુજરાત સહિત 51% વિસ્તારમાં ચોમાસું નબળું
આ વખતે અલ નીનો (El Nino)ની અસર વચ્ચે ચોમાસું (Monsoon) અપેક્ષા કરતાં નબળું રહ્યું છે. 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ, દેશમાં સામાન્ય કરતાં 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પણ વરસાદની 10 ટકાની ઘટ નોંધાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આ ખાધ વધીને 23 ટકા સુધી પહોંચી છે. હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 19 સપ્ટેમ્બરથી દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે.
દેશના કુલ 36 વરસાદી પેટાવિભાગોમાંથી 19 પેટાવિભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આ 19 પેટાવિભાગો દેશના આશરે 51 ટકા વિસ્તારને આવરી લે છે. બીજી તરફ, બાકીના 17 પેટાવિભાગોમાં ચોમાસું સામાન્ય (Normal) રહ્યું છે, જે દેશના 49 ટકા વિસ્તાર જેટલો છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 10 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. સૌરાષ્ટ્રમાં 23 ટકા વરસાદની ખાધ હોવાથી રાજ્યની એકંદર વરસાદી ખાધ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ઓછા વરસાદને કારણે છે.
દેશમાં સામાન્ય રીતે 1 જૂનથી 17 સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ 807 મિ.મી. એટલે કે આશરે 32.25 ઈંચ વરસાદ પડતો હોય છે. તેની સામે આ વર્ષે આ સમયગાળામાં માત્ર 686 મિ.મી. એટલે કે આશરે 27.50 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, દેશભરમાં ચોમાસાની સરેરાશમાં 15 ટકાની ખાધ જોવા મળી રહી છે.
દરમિયાન, હવામાન વિભાગે 1 ઓક્ટોબર સુધીના આગામી પખવાડિયાનું હવામાન પૂર્વાનુમાન પણ જાહેર કર્યું છે. 17થી 23 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો અને વ્યાપક વરસાદ થઈ શકે છે, પરંતુ એકંદરે દેશભરમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. જ્યારે 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સામાન્ય (Normal) રહેવાનું અનુમાન છે. બંને સપ્તાહ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે.

