Video: 'બે પત્નીઓ ધરાવનારને ₹2 લાખ મળશે' : કોંગ્રેસ નેતાના નિવેદનથી ગરમાયું રાજકારણ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ ગુરુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ ગુરુવારે એક રેલીને સંબોધિત કરતી વખતે પાર્ટી દ્વારા પ્રસ્તાવિત 'મહાલક્ષ્મી યોજના' અંગે વિચિત્ર દાવો કર્યો હતો. તેમના દાવા પર વિવાદ ઊભો થયો હતો. ભુરિયાએ કહ્યું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે તેના 'ન્યાય પત્ર' (ઘોષણાપત્ર)માં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે. આ અંતર્ગત જો અમારી સરકાર બનશે તો અમે ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું અને જેમની બે પત્નીઓ છે તેમને 2 લાખ રૂપિયા મળશે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપે કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારમાં આદિજાતિ બાબતોના કેન્દ્રીય પ્રધાન રહેલા કાંતિલાલ ભૂરિયા (73) સામે ચૂંટણી પંચ પાસે પગલાં લેવાની માંગ કરી હતી. સાયલાનામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ભૂરિયાએ કહ્યું, 'અમારા મેનિફેસ્ટોમાં દરેક મહિલાને 1 લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે વ્યક્તિની બે પત્નીઓ છે, તે બંનેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
જીતુ પટવારીએ ભુરિયાના નિવેદનને સમર્થન આપ્યું હતું
તે જ રેલીમાં બોલતા મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ ભૂરિયાના નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, 'ભુરિયા જીએ હમણાં જ એક અદ્ભુત જાહેરાત કરી છે કે બે પત્નીઓ ધરાવતી વ્યક્તિને બમણી રકમ (રૂ. 1 લાખની આર્થિક સહાય) મળશે.' કોંગ્રેસના મેનિફેસ્ટો અનુસાર, મહાલક્ષ્મી યોજના હેઠળ, ગરીબી રેખા (BPL) નીચે જીવતી મહિલાઓને આ શ્રેણીમાંથી બહાર ન આવે ત્યાં સુધી દર મહિને 8500 રૂપિયા મળશે, જે વાર્ષિક 102000 રૂપિયા છે.
પોતાના સંબોધનમાં કાંતિલાલ ભુરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આદિવાસીઓનું અપમાન કરવાનો અને સીધીમાં ભાજપના નેતાએ આદિવાસીઓ પર પેશાબ કર્યો ત્યારે ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો. ભૂરિયા મધ્યપ્રદેશના વન મંત્રી નાગર સિંહ ચૌહાણની પત્ની અનિતા ચૌહાણ સામે ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ રતલામમાં મતદાન થશે. દરમિયાન, એમપી બીજેપીના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ભુરિયાના નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપલોડ કરી અને ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી.
કોંગ્રેસ બહુમતી હિન્દુઓનું અપમાન કરી રહી છેઃ ભાજપ
કાંતિલાલ ભૂરિયા 2009ની લોકસભા ચૂંટણી રતલામ સીટથી જીત્યા હતા, પરંતુ 2014માં બીજેપીના દિલીપ સિંહ ભુરિયા સામે હારી ગયા હતા. 2015માં આ સીટ દિલીપ સિંહના નિધનને કારણે ખાલી થઈ હતી અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ નેતા કાંતિલાલ ફરી એકવાર અહીંથી જીત્યા હતા. પરંતુ 2019માં તેઓ ફરીથી ભાજપના ગુમાનસિંહ ડામોર સામે હારી ગયા હતા. 'બે પત્નીઓ ધરાવનારને 2 લાખ આપવામાં આવશે' એવા ભૂરિયાના નિવેદનની ટીકા કરતા ભાજપે કોંગ્રેસ પર એક ખાસ સમુદાયને ખુશ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જીતુ પટવારી, દિગ્વિજય સિંહ અને કાંતિલાલ ભૂરિયા પર મંચ પરથી બહુમતી હિન્દુઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.








