'પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઇએ', જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ મોદી સરકારના મંત્રીનું નિવેદન
જમ્મુ કાશ્મીરના રિયાસી આતંકી હુમલા અંગે નવનિર્મિત કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પોતાની પ્

જમ્મુ કાશ્મીરના રિયાસી આતંકી હુમલા અંગે નવનિર્મિત કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રામદાસ અઠાવલેએ કહ્યું કે, "મારૂ માનવું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઇ ગયો છે. આ હુમલો જાણી જોઇને કરવામાં આવ્યો હતો જેથી ડર ઉભો કરી શકાય કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનવી રહ્યાં છે પરંતુ જો આવી ઘટનાઓ થતી રહી તો આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ કરવું પડશે...ઘણા આતંકવાદી PoKમાં થઇને ભારતમાં ઘુસે છે. અઠાવલેએ કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને જરૂર આપણા હવાલે લેવો પડશે."
10 લોકોએ ગુમાવ્યો જીવ, 41 ઘાયલ
જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શિવખોડી ધામથી દર્શન કરીને પરત ફરતી બસ પર ફાયરિંગ કર્યું હતું. બસ ચાલકને આતંકીઓની ગોળી લાગતા ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. તે બાદ બસ ખીણમાં પડી હતી. આ ઘટનામાં ચાલક સહિત 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 41 શ્રદ્ધાળુ ઘાયલ છે. આ આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.
વળતરની જાહેરાત
જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.








