સંસદમાં બેઠકો 50% વધી જશે! CM યોગી આદિત્યનાથે UPના તમામ 80 સાંસદોને કરી મોટી અપીલ, અખિલેશ યાદવે કહી દીધું 'ભાજપની સૌથી મોટી ભૂલ'

સંસદના આગામી વિશેષ સત્ર પહેલા સીમાંકન બિલ (Delimitation Bill) ને લઈને ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે રાજ્યના તમામ 80 લોકસભા સાંસદોને (પક્ષભેદ ભૂલીને) પ્રસ્તાવિત સીમાંકન કાયદાનું સમર્થન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ બિલ પસાર થવાથી 2029ની ચૂંટણીઓથી સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ જશે.
સંસદ અને વિધાનસભાની બેઠકોમાં 50% વધારો થશે
બલરામપુર જિલ્લાના તુલસીપુર ખાતે પત્રકારો સાથે વાત કરતા CM યોગી આદિત્યનાથે પ્રસ્તાવિત કાયદાને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "અમે આભારી છીએ કે PM મોદીના નેતૃત્વમાં સંસદે 'નારી શક્તિ વંદન અધિનિયમ' પહેલાથી જ પસાર કરી દીધો છે. હવે કેબિનેટે 2029માં તેને લાગુ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે, જેનાથી એ સુનિશ્ચિત થઈ ગયું છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થશે. આનાથી મહિલાઓને 33 ટકા રાજકીય પ્રતિનિધિત્વ મળવાનો માર્ગ પ્રશસ્ત થશે."
દક્ષિણના રાજ્યોની ચિંતાઓ અંગે CM યોગીની સ્પષ્ટતા
સીમાંકનને લઈને દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતાઓને દૂર કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રસ્તાવિત પ્રક્રિયા 2011ની વસ્તી ગણતરી પર આધારિત હશે. રાજ્યોમાં બેઠકોની વર્તમાન સંખ્યા તેમના હાલના પ્રમાણ (Proportion) મુજબ જ જળવાઈ રહેશે, જેથી કોઈપણ રાજ્યના હિસ્સાને નુકસાન નહીં થાય.
અખિલેશ યાદવના ભાજપ પર આકરા પ્રહાર
બીજી તરફ, સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવે સીમાંકન બિલ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશે તેને ભાજપની 'સૌથી મોટી રાજકીય ભૂલ' ગણાવતા કહ્યું કે, "ભાજપના લોકો સીમાંકન બિલ લાવી રહ્યા છે, તેની પાછળનું કારણ ખૂબ જ સરળ છે. તેઓ યુપી ગુમાવવા માંગતા નથી અને તેઓ યુપી હારી રહ્યા છે. અત્યાર સુધી તેમનો કોઈ નેરેટિવ સેટ થયો નથી. જ્યારે કમળ કરમાઈ ગયું છે, ત્યારે તેઓ 'રાધે રાધે કમલ ખિલા દે' જેવા નારા લગાવી રહ્યા છે. જે પાર્ટીનું કમળ કરમાઈ ગયું હોય તેની પાસેથી શું અપેક્ષા રાખી શકાય?"
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાની બેઠક મળશે, જેમાં સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ સીમાંકન બિલ રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.














