સલામી મળવાની હતી સુપ્રીમ કોર્ટના જજને, પણ પહેલા પહોંચી ગયા ઓવૈસી! યુપી પોલીસે જજ સમજીને AIMIM ચીફને આપી દીધું 'ગાર્ડ ઓફ ઓનર',

સલામી મળવાની હતી સુપ્રીમ કોર્ટના જજને, પણ પહેલા પહોંચી ગયા ઓવૈસી! યુપી પોલીસે જજ સમજીને AIMIM ચીફને આપી દીધું 'ગાર્ડ ઓફ ઓનર',
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસકર્મીઓની એક મોટી અને રસપ્રદ ચૂક ચર્ચાનો વિષય બની છે. શનિવારે (21 નવેમ્બર, 2026) અહીંના સર્કિટ હાઉસમાં સુપ્રીમ કોર્ટના એક જજના સ્વાગત માટે તૈનાત પોલીસ જવાનોએ ગેરસમજમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને જ જજ સમજીને 'ગાર્ડ ઓફ ઓનર' (સલામી) આપી દીધું હતું. નવાઈની વાત એ છે કે ઓવૈસીએ પણ ઊભા રહીને સંપૂર્ણ ગંભીરતા સાથે આ સલામી સ્વીકારી હતી.

સુરક્ષાકર્મીઓને જોઈને થઈ ગેરસમજ

જાહેરાત

મળતી માહિતી મુજબ, સહારનપુરના સર્કિટ હાઉસમાં સુપ્રીમ કોર્ટના એક જજ આવવાના હતા, જેમના પ્રોટોકોલ મુજબ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની તૈયારી કરવામાં આવી હતી. આ દરમિયાન સવારે અંદાજે 11 વાગ્યે આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તેના 20 મિનિટ બાદ અસદુદ્દીન ઓવૈસી પોતાના સુરક્ષાકર્મીઓના કાફલા સાથે ત્યાં પહોંચ્યા હતા. ઓવૈસી સાથે સુરક્ષાકર્મીઓને જોઈને ગાર્ડ ઓફ ઓનર માટે તૈનાત પોલીસ જવાનોને લાગ્યું કે સુપ્રીમ કોર્ટના જજ આવી ગયા છે, અને તેમણે તાત્કાલિક સલામી આપી દીધી હતી.

પ્રેસ કોન્ફરન્સ રદ, બંને નેતાઓ DM ને મળવા પહોંચ્યા

સર્કિટ હાઉસ ખાતે અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી, પરંતુ અચાનક આ પ્રેસ કોન્ફરન્સ રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બંને નેતાઓ ત્યાંથી નીકળીને કલેક્ટ્રેટ ખાતે જિલ્લાધિકારી (DM) ને મળવા પહોંચ્યા હતા.

હાલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પોલીસની આ ચૂકની ભારે ચર્ચા થઈ રહી છે. જોકે, આ મામલે સહારનપુર પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત