દહેજમાં કાર ન મળતા પોલીસ કોન્સ્ટેબલે લગ્ન તોડ્યા, CCTVમાં ભાંડો ફૂટ્યો

હરિયાણાના સોનીપત ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દહેજમાં મારુતિ બ્રેઝા કાર ન મળતા દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે લગ્નના મંડપમાં જ લગ્ન તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વરરાજા જાન લઈને આવવાને બદલે પોતાની માતા સાથે સાદા કપડાંમાં પહેલેથી જ લગ્ન સ્થળે કાર જોવા પહોંચી ગયો હોવાનું દેખાય છે.
વરરાજા સાદા કપડાંમાં કાર ચેક કરવા પહોંચ્યો
૨૦ નવેમ્બરના રોજ સોનીપતના એક બેન્ક્વેટ હોલમાં આ લગ્ન યોજાયા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે વરરાજા કુલદીપ નક્કી કરેલા સમય કરતાં ઘણો વહેલો, કોઈપણ જાતના બેન્ડવાજા, સેહરા કે જાન વિના પોતાની માતા સાથે સામાન્ય કપડાંમાં હોલમાં પ્રવેશે છે. દુલ્હનના પિતા સુભાષ કુમારે આરોપ લગાવ્યો છે કે કુલદીપ ખાસ એ તપાસવા માટે વહેલો આવ્યો હતો કે તેમણે માંગેલી કાર હોલમાં લાવવામાં આવી છે કે નહીં.
૯.૫ લાખની કાર કેન્સલ કરાવી ૧૩ લાખની બ્રેઝા માંગી
સુભાષ કુમારે સોનીપતમાં નોંધાવેલી લેખિત ફરિયાદ મુજબ, છ મહિના પહેલાં તેમની દીકરી હિનાના લગ્ન કુલદીપ સાથે નક્કી થયા હતા. તેમણે વરરાજા માટે અંદાજે ૯.૫ લાખ રૂપિયાની કાર બુક કરાવી હતી અને ૧,૨૦૦ મહેમાનોના ભોજન તથા ૧.૩૨ લાખના ફર્નિચર સહિત લગ્નની તૈયારીઓ પાછળ ૨૫થી ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
જોકે, લગ્નના એક દિવસ પહેલાં જ કુલદીપે મધ્યસ્થીઓ મારફતે સંદેશો મોકલ્યો કે તેને બુક કરેલી કાર પસંદ નથી અને તેના બદલે અંદાજે ૧૩ લાખ રૂપિયાની મારુતિ બ્રેઝા કાર જોઈએ છે. પિતાએ જૂનું બુકિંગ રદ કરીને બ્રેઝા શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર એક જ દિવસ બાકી હોવાથી સમયસર કારની વ્યવસ્થા થઈ શકી નહીં. આ ઉપરાંત, વરરાજા પક્ષે કુલદીપ માટે બે તોલાની સોનાની ચેન, માતા માટે ચાર તોલાના ઝુમખાં અને જેઠ-જેઠાણી માટે ઘરેણાંની પણ માંગણી કરી હતી, જેના ઓર્ડર આપી દેવાયા હતા.
હાથ જોડીને કરગર્યા છતાં જાન પાછી ફરી
હોલમાં પહોંચ્યા બાદ જ્યારે કુલદીપ અને તેની માતાને બ્રેઝા કાર જોવા ન મળી, ત્યારે તેમણે હોબાળો મચાવ્યો હતો. આરોપ છે કે કોન્સ્ટેબલે દુલ્હનના પરિવાર સાથે અપશબ્દો બોલીને હિનાના ભાઈ સાહિલ સાથે ઝપાઝપી પણ કરી હતી. દુલ્હનના પરિવારે હાથ જોડીને લગ્નની વિધિ પૂરી કરવા માટે આજીજી કરી, પરંતુ કુલદીપ અને તેની માતાએ ઈનકાર કરી દીધો અને ત્યાંથી નીકળી ગયા. દુલ્હન હિના કન્યાના જોડામાં મંડપમાં જ બેસી રહી અને મહેમાનો જમ્યા વિના જ પરત ફર્યા હતા.
દિલ્હી પોલીસે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો
આ ઘટના સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને કોન્સ્ટેબલ કુલદીપને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરી છે. બીજી તરફ, કુલદીપે પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવતા કહ્યું છે કે તેણે ક્યારેય બ્રેઝા કારની માંગણી કરી નહોતી. દુલ્હનના પિતાએ એમએ (MA) અને જેબીટી (JBT) સુધી ભણેલી પોતાની દીકરીને ન્યાય અપાવવા કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.











