VIDEO: ભરૂચ: દહેજમાં જમીન ગુમાવનાર ખેડૂતોનું આંદોલન, નોકરીની માંગ સાથે ચીમકી
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારના જાગેશ્વર ગામમાં વર્ષોથી પોતાના હક માટે લડતા જમીન ગુમાવનાર ખેડૂતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે. ૧૯૯૬-૯૭માં ઔદ્યોગિક વિકાસના નામે સંપાદિત કરવામાં આવેલી ફળદ્રુપ જમીનના બદલામાં સ્થાનિકોને નોકરી અને પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.પૂર્વમાં એ.બી.જી. શિપયાર્ડમાં સ્થાનિકોને રોજગારી મળી હતી, પરંતુ તે કંપની બંધ થતાં ફરી બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આ કંપનીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેકઓવર કરવામાં આવ્યું હોવા છતાં, કંપની દ્વારા સ્થાનિક લેન્ડ લુઝર્સને કાયમી નોકરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી રહ્યો છે. વારંવાર લેખિત રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા, ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ૧૬ જુલાઈ ૨૦૨૬થી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

