Video: શ્રીનગરમાં ૩૭ વર્ષ બાદ ફરી ખૂલ્યા ઐતિહાસિક 'શ્રી દુર્ગેશ્વરી પાઠશાળા મંદિર'ના દ્વાર, વિશેષ પૂજા-અર્ચના કરાઈ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને આસ્થાનો ઐતિહાસિક પ્રસંગ જોવા મળ્યો છે. ફતેહ કદલ સ્થિત પૌરાણિક શ્રી દુર્ગેશ્વરી પાઠશાળા મંદિરના દ્વાર ૩૭ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરીવાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે, જે નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
કાર્તિક પૂર્ણિમા અને ગુરુપુરબના પવિત્ર અવસરે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરૂ અને SSP જી. વી. સંદીપ ચક્રવર્તીએ ભક્તો તેમજ સ્થાનિક રહેવાસીઓ સાથે ઉપસ્થિત રહીને મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે SSP જી. વી. સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મંદિરમાં આવીને પ્રાર્થના કરવી એ તેમના માટે સૌભાગ્ય અને આનંદની વાત છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કાશ્મીર હંમેશાથી ભાઈચારા અને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. આ ભવ્ય પરંપરાને જાળવી રાખવી અને ભાઈચારાની ભાવના અકબંધ રહે તે જોવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે શ્રીનગર પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી તેમણે જનતાને સહકાર આપવાની અપીલ પણ કરી હતી.
















