બે સંતાનના નિયમને સુપ્રીમ કોર્ટની ટકોર: હવે તેની પ્રાસંગિકતા રહી નથી, મોટી બેન્ચને મોકલાયો મામલો

દેશમાં ઘટી રહેલા પ્રજનન દર (Fertility Rate) વચ્ચે સુપ્રીમ કોર્ટે બે કરતાં વધુ સંતાન ધરાવતા લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડતા અટકાવતા કાયદાઓની પ્રાસંગિકતા સામે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બદલાતી વસ્તી વિષયક પરિસ્થિતિ (Demographic Changes)ને ધ્યાનમાં લેતાં બે સંતાનનો નિયમ હવે જૂનો બની ગયો છે. કોર્ટે આ મુદ્દે વર્ષ 2003ના પોતાના ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે મામલો મોટી બેન્ચ (Larger Bench)ને સોંપ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ અલોક અરાધેની બેન્ચે નોંધ્યું કે ભારતમાં કુલ પ્રજનન દર (Total Fertility Rate) વર્ષ 2003માં 3 હતો, જે ઘટીને હવે 1.9 થયો છે. વસ્તી સ્થિર રહેવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ (Replacement Fertility Rate) 2.1 માનવામાં આવે છે. એટલે કે ભારતનો પ્રજનન દર આ સ્તરથી પણ નીચે પહોંચી ગયો છે. કોર્ટે ચેતવણી આપી કે જો આ બદલાવને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વૃદ્ધોની વસ્તી વધશે અને કામકાજ કરી શકે તેવી વયજૂથની વસ્તીનો હિસ્સો ઘટશે. અગાઉ વધુ વસ્તી વધવાની આશંકાને કારણે બે સંતાનનો નિયમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેના તર્ક પર ફરી વિચાર કરવાની જરૂર છે.
મહારાષ્ટ્રના પૂર્વ સરપંચનો કેસ બન્યો આધાર
આ મામલો મહારાષ્ટ્રના કાકોડા ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચ મંગલા ભીમરાવ ઇંગલેની અરજીથી સામે આવ્યો હતો. ત્રીજા સંતાનના જન્મને કારણે મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ, 1959 હેઠળ તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે પણ આ નિર્ણય યથાવત્ રાખ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની સામેની કાર્યવાહી પર રોક લગાવી છે અને મોટા બેન્ચને મુદ્દો સોંપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે સંતાનની સંખ્યાના આધારે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાથી નાગરિકોના લોકશાહી પ્રતિનિધિત્વના અધિકાર પર અસર પડે છે. વ્યક્તિને સંતાન મેળવવું કે લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો, એવી પસંદગી કરવા મજબૂર કરવું બંધારણની કલમ 21 હેઠળના પ્રજનન સ્વાયત્તતાના અધિકાર (Reproductive Autonomy) સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. નોંધનીય છે કે ગુજરાત સહિત આસામ, ગોવા, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તરાખંડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બે સંતાન સંબંધિત જોગવાઈઓ હજુ અમલમાં છે. હવે મોટી બેન્ચ આ કાયદાઓની બંધારણીય માન્યતા અંગે શું નિર્ણય લે છે તેના પર દેશભરની નજર રહેશે.




