69 હજાર શિક્ષક ભરતી મામલે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી, યુપી સરકાર પાસે જવાબ માંગ્યો
ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતી કેસમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ

ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતી કેસમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માંગ્યો છે. હવે આ કેસ પર વધુ સુનાવણી 23 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટનો નિર્ણય લાગુ નહીં થાય જેમાં હાઇકોર્ટની લખનૌ પીઠે 69000 શિક્ષક ભરતીમાં બનાવવામાં આવેલી મેરિટ લિસ્ટને રદ કરીને 3 મહિનામાં નવી મેરિટ લિસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને હાઇકોર્ટમાં પક્ષકારોને પણ નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે પક્ષકારોને સાત પાનામાં લેખિત દલીલનું સંકલન આપવા કહ્યું છે. પીઠ 23 સપ્ટેમ્બરે વધુ સુનાવણી કરશે. અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં 2020 અને જાન્યુઆરી 2022ની સિલેક્શન લિસ્ટને રદ કરતા યુપી સરકારને આદેશ આપ્યો હતો કે તે 2019માં યોજાયેલી ATRE સહાયક શિક્ષક ભરતી પરીક્ષાના આધાર પર 69 હજાર શિક્ષકો માટે નવી સિલેક્શન લિસ્ટ ત્રણ મહિનામાં તૈયાર કરે.
હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કોઇ અનામત વર્ગનો ઉમેદવાર જનરલ કેટેગરીની બરાબર મેરિટ મેળવે છે તો તેનું સિલેક્શન જનરલ કેટેગરીમાં જ માનવું જોઇએ. હાઇકોર્ટના આ આદેશને કારણે યુપીમાં મોટી સંખ્યામાં નોકરી કરતા શિક્ષકો પર નોકરી ગુમાવવાનો ખતરો મંડરાવવા લાગ્યો હતો.






