OBC અનામતના ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટ મક્કમ, કેન્દ્રની 2 વર્ષની મુદતની માગ ફગાવી

અન્ય પછાત વર્ગો (OBC) માટેના ક્રીમી લેયર નક્કી કરવાના નિયમો અંગે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર પોતાના અગાઉના ચુકાદા પર મક્કમ રહેવાનો નિર્ણય કર્યો છે. શુક્રવાર, 6 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે 11 માર્ચ, 2026ના પોતાના ચુકાદાને યથાવત રાખ્યો હતો. આ સાથે કેન્દ્ર સરકારની નીતિમાં જરૂરી ફેરફાર કરવા અને પદોની સમકક્ષતા નક્કી કરવા માટે બે વર્ષનો સમય આપવાની માગ પણ સ્વીકારી નથી. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે OBC નોન-ક્રીમી લેયરની સ્થિતિ નક્કી કરતી વખતે 1993ના ઓફિસ મેમોરેન્ડમ (Office Memorandum) મુજબ માતા-પિતાની પગારની આવક અને ખેતીની આવકને આવક-સંપત્તિની ગણતરીમાંથી બાકાત રાખવાની જોગવાઈ લાગુ પડશે.
UPSC 2025ની સેવા ફાળવણીમાં લાગુ પડશે ચુકાદો
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું પરિણામ 6 માર્ચ, 2026ના રોજ જાહેર થયું હતું, પરંતુ સફળ ઉમેદવારોને હજુ સુધી સેવાઓની ફાળવણી (Service Allocation) કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં 11 માર્ચના ચુકાદાના અમલમાં વિલંબ કરવાનું કોઈ યોગ્ય કારણ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં પસંદગી પામેલા OBC ઉમેદવારોને સેવા ફાળવણી કરતી વખતે ક્રીમી લેયર અંગેના આ ચુકાદામાં નક્કી કરાયેલા સિદ્ધાંતો લાગુ પડશે.
પાત્ર ઉમેદવારો માટે વધારાની જગ્યાઓ ઊભી કરાશે
કોર્ટે અગાઉના ચુકાદામાં નોંધાયેલી કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)ની ખાતરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ખાતરી મુજબ, કેસમાં પક્ષકાર એવા ઉમેદવારો જો નોન-ક્રીમી લેયરની શરતો અને અન્ય જરૂરી લાયકાતો પૂર્ણ કરતા હોય તો તેમને સમાવવા માટે વધારાની જગ્યાઓ (Supernumerary Posts) ઊભી કરવામાં આવશે. જસ્ટિસ મહાદેવને જણાવ્યું કે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને સરકાર આ જોગવાઈ હેઠળ સમાવી શકે છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ચુકાદો માત્ર તેની સમક્ષ કેસમાં પક્ષકાર રહેલા ઉમેદવારોને લાગુ પડશે. ચુકાદા પહેલાં પૂર્ણ થઈ ગયેલી નિમણૂકો ફરીથી ખોલવામાં આવશે નહીં.
કેન્દ્ર સરકારની દલીલ અને કોર્ટનો જવાબ
કેન્દ્ર સરકારે કોર્ટમાં અરજી કરીને ચુકાદાના અમલ માટે બે વર્ષનો સમય માગ્યો હતો. સરકારની દલીલ હતી કે ચુકાદાનો પાછલી અસરથી અમલ કરવાથી ભરતી પ્રક્રિયા, સેવા ફાળવણી, કેડર ફાળવણી, વરિષ્ઠતા અને શૈક્ષણિક પ્રવેશ સહિતની વ્યવસ્થાઓ પર મોટી અસર પડી શકે છે. આ ઉપરાંત લાખો લોકોની નિમણૂક અને અનામત વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ ઊભા થઈ શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ માગ સ્વીકારી નહોતી. સાથે જ વ્યક્તિગત દાવાઓ અંગે કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા સક્ષમ સત્તા સમક્ષ પેન્ડિંગ કેસનો નિર્ણય તેની હકીકતો અને ગુણદોષના આધારે કરવા જણાવ્યું છે. આવા કેસોનો નિર્ણય લેવા માટે અગાઉ આપવામાં આવેલી છ મહિનાની સમયમર્યાદામાં વધુ આઠ અઠવાડિયાનો વધારો કર્યો છે.
1993ના નિયમો અને 2004ની સ્પષ્ટતાથી વિવાદ સર્જાયો હતો
વિવાદનું મૂળ 1993ના નિયમો અને 2004માં DoPT દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતામાં રહેલું છે. 1993ના નિયમો મુજબ OBC ઉમેદવાર ક્રીમી લેયરમાં આવે છે કે નહીં તે નક્કી કરતી વખતે માતા-પિતાની પગારની આવક અને ખેતીની આવક ગણવામાં આવતી નહોતી. પરંતુ 2004માં DoPTએ સ્પષ્ટતા કરી હતી કે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU), બેંકો અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતા માતા-પિતાનો પગાર ગણતરીમાં લેવામાં આવશે, જ્યારે સમકક્ષ હોદ્દા પર કામ કરતા સરકારી કર્મચારીઓના પગારને અલગ રીતે જોવામાં આવશે. તેના કારણે PSU કર્મચારીઓનાં સંતાનોને OBC અનામતનો લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. સુપ્રીમ કોર્ટે 11 માર્ચના ચુકાદામાં આ ભેદભાવને અન્યાયી ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ક્રીમી લેયરનો આધાર માત્ર પરિવારની કુલ પગારની આવક નહીં, પરંતુ સામાજિક દરજ્જો હોવો જોઈએ. માત્ર પગારની આવકના આધારે PSU કર્મચારીઓનાં સંતાનોને અનામતથી વંચિત રાખી શકાય નહીં. આ ચુકાદા બાદ ઉમેદવારોના વકીલોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને એક દાયકાથી ચાલી રહેલા અન્યાયનો અંત ગણાવ્યો હતો. બીજી તરફ, કોર્ટે કેન્દ્ર સરકારને બંધારણ અનુસાર અનામત અને ક્રીમી લેયર અંગે પોતાની નીતિ ઘડવાની સ્વતંત્રતા પણ આપી છે.








