મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્યપ્રદેશ : જબલપુરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન સ્ટેજ તૂટ્યો, કેટલાક લોકો ઘાયલ

એક તરફ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

મધ્યપ્રદેશ : જબલપુરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન સ્ટેજ તૂટ્યો, કેટલાક લોકો ઘાયલ

એક તરફ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહાર બાદ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યાં જબલપુરમાં પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. પીએમ મોદીને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ગોરખપુર વિસ્તારમાં બનાવેલા સ્ટેજ તૂટી ગયા હતા. પરિણામે સ્ટેજ હાજર લોકો નીચે પટકાયા હતા. જેમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. 

પીએમ મોદીના જબલપુરમાં રોડ શો દરમિયાન ભારે ભીડ ઉમટી પડી હતી. પરિણામે ગોરખપુર વિસ્તારમાં બનાવેલા સ્ટેજ ધરાશાયી થયો હતો. જેમાં મહિલા અને બાળકો સહિત 10થી વધુ લોકો લોકો ઘાયલ છે. જોકે, રાહતની વાત એ છે કે, કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમની એક ઝલક મેળવવા માટે વધુ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. 

પીએમ મોદીએ હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું 

પીએમ મોદીનો રોડ શો સાંજે કટંગાના ભગત સિંહ ચોકથી શરૂ થયો હતો. રોડ શો દરમિયાન વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી મોહન યાદવ, રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રાકેશ સિંહ અને લોકસભાના ઉમેદવાર આશિષ દુબે ખુલ્લી જીપમાં સવાર હતા. રોડ શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા. લોકો ‘જય શ્રી રામ’ અને ‘અબ કી બાર 400 પાર’ના નારા લગાવી રહ્યા હતા. તે જ સમયે, વડા પ્રધાન મોદીએ હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

જબલપુરમાં રોડ શો ખૂબ જ શાનદાર રહ્યો : પીએમ મોદી

બીજી તરફ પીએમ મોદીએ જબલપુરમાં રોડ શો અંગે સોશિયલ મીડિયા X પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે, આજે જબલપુરમાં રોડ શો ખૂબ જ શાનદાર રહ્યો હતો! અહીં મારા પરિવારના સભ્યોનો ઉત્સાહ અને જુસ્સો કહી રહ્યો છે કે અમને ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. અમે અહીં દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. આનાથી જબલપુરના વિકાસને નવી પાંખો મળી છે.

આ સમાચાર શેર કરો