VIDEO: ભાજપના નેતાઓ-કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, ઉત્તર પ્રદેશમાં 2027ની તૈયારી વચ્ચે જૂથબંધી બની મોટો પડકાર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં 2027ની વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈને ભાજપ (BJP)એ તૈયારીઓ તેજ કરી છે. જોકે, ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પાર્ટીની અંદર વધતી જૂથબંધી હવે નેતૃત્વ માટે ચિંતાનો વિષય બની રહી છે. અયોધ્યા અને કાનપુર બાદ હવે દેવરિયામાં નેતાઓ અને કાર્યકરો વચ્ચે ખુલ્લેઆમ મારામારીની ઘટના સામે આવી છે.
દેવરિયામાં બનેલી ઘટનામાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાત-ઘૂંસા ઉપરાંત જૂતા-ચપ્પલ અને લાઠી-ડંડા પણ ચાલ્યા હતા. પાર્ટીના કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટનાથી ભાજપના સંગઠન સામે સવાલો ઊભા થયા છે.
સ્વાગત કાર્યક્રમમાં જ થઈ મારામારી
ભાજપના સોશિયલ મીડિયા રાષ્ટ્રીય સહ-સંયોજક શિવાનંદ દ્વિવેદીના સ્વાગત કાર્યક્રમ દરમિયાન મંગળવારે બે જૂથો સામસામે આવી ગયા હતા. એક પૂર્વ સાંસદ અને બ્લોક પ્રમુખ પ્રતિનિધિના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં પાર્ટીના ઝંડા અને લાકડીઓનો પણ ઉપયોગ થયો હોવાના અહેવાલ છે.
ઘટનાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો છે. આ ઘટનાને કારણે વિરોધી પક્ષોને પણ ભાજપ પર રાજકીય પ્રહાર કરવાનો મોકો મળ્યો છે.
ટિકિટના દાવેદારો વચ્ચે પણ ખેંચતાણ
દેવરિયા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપની અંદર જૂથબંધી વધતી હોવાની ચર્ચા છે. જિલ્લાની તમામ સાત વિધાનસભા બેઠકો હાલમાં ભાજપ પાસે છે. આવી સ્થિતિમાં આગામી ચૂંટણી માટે વર્તમાન ધારાસભ્યોની સાથે નવા દાવેદારો પણ સક્રિય બન્યા છે.
ટિકિટ મેળવવાની દોડમાં અનેક નેતાઓ પોતાનું રાજકીય કદ મજબૂત બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં દાવેદારોની વધતી સંખ્યાને કારણે પાર્ટી માટે આંતરિક પડકાર ઊભો થયો છે.
વાયરલ વીડિયોની તપાસ થશે
મારામારી બાદ વાયરલ થયેલા વીડિયોની તપાસ (Investigation) કરવામાં આવશે. પાર્ટીનું નેતૃત્વ આ સમગ્ર મામલે પોતાના સ્તરે તપાસ કરાવવાની તૈયારીમાં હોવાનું જણાવાયું છે. તપાસના આધારે જવાબદાર લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.
29 ઓગસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમ બાદ પાર્ટી આ મામલે કોઈ નિર્ણય લઈ શકે તેવી ચર્ચા છે.
જિલ્લાધ્યક્ષે કાર્યવાહીનો સંકેત આપ્યો
ભાજપના જિલ્લાધ્યક્ષ કાલી પ્રસાદે સ્વાગત કાર્યક્રમ દરમિયાન થયેલી ઘટના યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી માટે સંગઠન મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષને પત્ર લખવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીમાં જૂથબંધી સહન કરવામાં નહીં આવે અને ભાજપની શિસ્ત જાળવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે પાર્ટી આંતરિક વિવાદને કેટલી ઝડપથી શાંત કરે છે અને 2027ની ચૂંટણીની તૈયારીઓ પર તેની અસર કેવી રીતે અટકાવે છે.

