VIDEO: ભોટેકોશી નદીમાં રમકડાની જેમ પુલ તણાયો, 9 પોલીસકર્મીઓ લાપતા! ગંડકમાં પુરની આશંકા વચ્ચે બિહારના 8 જિલ્લામાં હાઇ એલર્ટ
ચીનના તિબેટ વિસ્તારમાંથી અચાનક આવેલા ભારે પૂરના કારણે નેપાળના ઉત્તરીય રસૂવા જિલ્લામાં મોટા પાયે વિનાશ વેર્યો છે. ભોટેકોશી નદીના જળસ્તરમાં થયેલા અણધાર્યા અને ભયજનક વધારાથી તિમુરે અને સ્યાબ્રુ બેસી વિસ્તારોમાં મકાનો, સ્થાનિક બજારો અને અન્ય સંપત્તિઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
મોટા પાયે તારાજી
ભોટેકોશી નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો, માલસામાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તણાઈ ગયા છે, જ્યારે એક મહત્વપૂર્ણ પુલ પણ ધરાશાયી થઈ ગયો છે. પૂરના પ્રવાહ બાદ તિમુરે બોર્ડર પોસ્ટ પર તૈનાત 9 પોલીસકર્મીઓ લાપતા બન્યા છે અને હાલ તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જોકે, બોર્ડર પોસ્ટ પર હાજર અન્ય 25થી 30 જેટલા લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
બિહારમાં 3 મીટર ઊંચા પૂરનું જોખમ
નેપાળમાં આવેલા આ જળપ્રલયની અસર ભારતના સરહદી રાજ્ય બિહાર પર પણ જોવા મળી રહી છે. ગંડક નદીમાં આશરે 3 મીટર (લગભગ 10 ફૂટ) ઊંચી ફ્લેશ ફ્લડ વેવ આવવાની આશંકાને પગલે બિહારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે વિશેષ તકેદારીના આદેશ આપ્યા છે. બિહારના પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

