VIDEO: કોંગ્રેસ સરકારના મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો! વિરોધ પ્રદર્શન કરતા ભાજપના દિગ્ગજોની પોલીસે કરી અટકાયત
કર્ણાટકના બાગલકોટમાં કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં થયેલા કથિત કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડને લઈને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ કૌભાંડમાં કથિત સંડોવણીના આક્ષેપોને પગલે રાજ્યના મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
વાલ્મિકી નિગમ કૌભાંડ અને વિરોધ પ્રદર્શન
બાગલકોટ ખાતે ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વાલ્મિકી નિગમના ભંડોળમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેમાં મંત્રી બી. નાગેન્દ્રની સીધી સંડોવણી છે. દેખાવકારોએ કોંગ્રેસ સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી મંત્રી બી. નાગેન્દ્રનું રાજીનામું લેવાની અને સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી હતી.
કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે બેરિકેડિંગ કરીને પ્રદર્શનકારીઓને આગળ વધતા રોક્યા હતા. ત્યારબાદ વિરોધ કરી રહેલા ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાહનોમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વિપક્ષ ભાજપ કોંગ્રેસ સરકારને ઘેરવા માટે રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ બનાવી રહ્યું છે.

