કર્ણાટકમાં સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ, વંદે માતરમના અપમાન મુદ્દે ભાજપ નેતાઓએ કાર્યવાહીની કરી માગ

કર્ણાટકના મેંગલુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સ્વાતંત્ર્ય દિવસ પર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના ગાન દરમિયાન તેમના હાવભાવ અંગે ઊભા થયેલા કથિત વિવાદ બાદ કરવામાં આવી છે.
ભાજપ નેતા વિકાસ પુત્તુરનું નિવેદન
ભાજપ નેતા વિકાસ પુત્તુરે જણાવ્યું કે, 'સમગ્ર ભારતે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીની હરકતો જોઈ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશાથી વંદે માતરમની વિરોધી રહી છે. ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન, જ્યારે વંદે માતરમ વાગી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધીએ કાર્યક્રમમાં અડચણ ઊભી કરી હતી. અમે અને દેશે જોયું કે, તેઓ વિક્ષેપ પાડી રહ્યા હતા અને પોતાના પક્ષના કાર્યકરોને વંદે માતરમ રોકવા માટે કહી રહ્યા હતા.'
‘કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ’
તેમણે વધુમાં જણાવ્યું કે આ બાબત કાયદાકીય કાર્યવાહીના દાયરામાં આવે છે. આજે વંદે માતરમ આપણા રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની સમકક્ષ છે. તેનો જે કોઈ પણ અનાદર કરે, પછી ભલે તેનો હોદ્દો કે તાકાત ગમે તે હોય, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આથી સોનિયા ગાંધી સામે કાયદેસરના પગલાં લેવા અને FIR દાખલ કરવા માટે ઉર્વા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે.
કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરવાની ચીમકી
ભાજપ નેતા પુત્તુરે કહ્યું કે જો રાજ્યની કોંગ્રેસ સરકાર અને પોલીસ આમાં નિષ્ફળ જશે, તો તેઓ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે અને તેમને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે જો રાષ્ટ્રીય ગીત કે રાષ્ટ્રીય સન્માનનું અપમાન થયું હોય તો કાયદા અનુસાર કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ તેમણે પોલીસને આ મામલે કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી ન થાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. હાલમાં ફરિયાદમાં મૂકવામાં આવેલા આરોપો અંગે પોલીસ તપાસ અને આગળની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.
શું છે સમગ્ર મામલો
15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન કોંગ્રેસ મુખ્યાલય ખાતે વંદે માતરમ ગવાઈ રહ્યું હતું. આરોપ છે કે આ દરમિયાન મંચ પર ઉપસ્થિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા અને રાષ્ટ્રગીત સંપૂર્ણ રીતે ગાવા પર અસહજ દેખાઈ રહ્યા હતા. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું છે.

