"તૃષાની શરત વગર માફી માંગો", ઉદયનિધિ સ્ટાલિનની અભદ્ર ટિપ્પણી બાદ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ લાલઘૂમ

તમિલનાડુના રાજકારણમાં ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા પ્રખ્યાત અભિનેત્રી તૃષા કૃષ્ણન અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે મોટો વિવાદ ઊભો થયો છે. દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રીઓએ સ્ટાલિનના આ નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરીને તૃષાને ખુલ્લું સમર્થન આપ્યું છે. મહિલાઓ સામે કરવામાં આવતી આવી અયોગ્ય અને અભદ્ર ટિપ્પણીઓ સામે તેમણે અવાજ ઉઠાવ્યો છે. પ્રખ્યાત ગાયિકા ચિનમયી શ્રીપાદા અને ભાજપ નેતા તથા અભિનેત્રી ખુશબૂ સુંદરે આ મામલે ઉદયનિધિ સ્ટાલિનની આકરી ઝાટકણી કાઢી છે.
"રાજકીય લડાઈમાં મહિલાઓને ઢસડવી યોગ્ય નથી" — ચિનમયી શ્રીપાદા
"જાહેર જીવનમાં ભાષાની મર્યાદા હોવી જોઈએ" — ખુશબૂ સુંદર
ભાજપના નેતા અને અભિનેત્રી ખુશબૂ સુંદરે પણ ઉદયનિધિના નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરતાં તેને અત્યંત ભદ્દુ અને અપમાનજનક ગણાવ્યું છે. ખુશબૂએ આકરા તેવર બતાવતા કહ્યું કે, જો આ પ્રકારની ભાષાને સામાન્ય ગણવામાં આવશે, તો આપણા પરિવારની મહિલાઓ સુરક્ષિત રહેશે નહીં. જાહેર જીવનમાં ભાષાની મર્યાદા જાળવવી અત્યંત જરૂરી છે. દરેક મહિલાનું સન્માન થવું જોઈએ, તેને રાજકારણમાં મોહરું બનાવીને આવી અભદ્ર ટિપ્પણીઓ ન કરવી જોઈએ. ઉદયનિધિ સ્ટાલિને પોતાની કમેન્ટ બદલ અભિનેત્રી તૃષાની બિનશરતી માફી માંગવી જોઈએ.
શું છે આખો વિવાદ?
થંજાવુરમાં ડીએમકે (DMK) દ્વારા કાવેરી જળ વિવાદ મામલે એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રદર્શનમાં ઉદયનિધિ સ્ટાલિન કાવેરી નદીના મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય પર પ્રહારો કરી રહ્યા હતા. એ જ સમયે ભીડમાંથી કેટલાક લોકોએ "તૃષા, તૃષા"ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તૃષાનું નામ સાંભળીને પહેલાં તો ઉદયનિધિ હસ્યા અને ત્યારબાદ તેમણે એક અશ્લીલ/દ્વિઅર્થી કમેન્ટ કરી હતી. જોકે, વિવાદ વધતાં તેમણે પોતાની સફાઈમાં દાવો કર્યો હતો કે તેઓ માત્ર કાવેરી જળ વિવાદ અંગે જ વાત કરી રહ્યા હતા.

