Video: SIR કોના ઈશારે થયું, ફોર્મ-૬ કોણે બદલ્યું? જ્ઞાનેશકુમારને 48 સવાલો પૂછવા માટે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી

કોંગ્રેસે મતદાર યાદીના SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ચૂંટણી પંચના સોગંદનામામાં વોટ ચોરી સંબંધિત સવાલોના કોઈ જવાબ આપવામાં આવ્યા નથી, જેના પગલે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પંચને સીધા સવાલ પૂછવાની મંજૂરી માંગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા કોંગ્રેસે માહિતી આપી કે તેણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, અન્ય બે ચૂંટણી કમિશનરો અને આઈટી મહાનિર્દેશક સમક્ષ ૪૮ સવાલોની એક યાદી મૂકી છે, જેના વ્યક્તિગત રીતે જવાબ માંગવામાં આવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રક્રિયાની ખામીઓને કારણે અનિયમિતતાઓનો રસ્તો ખુલ્યો છે. બીજી તરફ, ચૂંટણી પંચ દ્વારા અગાઉ એવું સ્પષ્ટ કરવામાં આવતું રહ્યું છે કે મતદાર યાદીના પુનરીક્ષણ અને ટેકનિકલ પ્રણાલીઓનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, સચોટ અને સરળ બનાવવાનો છે, અને તમામ નિર્ણયો નિર્ધારિત બંધારણીય નિયમો હેઠળ લેવામાં આવે છે.






