2 SPOs ની હત્યા બાદ એક્શનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, જાહેર કર્યા 3 ખતરનાક આતંકીઓના પોસ્ટર; 3 આતંકીઓ પર ₹30 લાખનું ઈનામ!

2 SPOs ની હત્યા બાદ એક્શનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, જાહેર કર્યા 3 ખતરનાક આતંકીઓના પોસ્ટર; 3 આતંકીઓ પર ₹30 લાખનું ઈનામ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPOs) ની નિર્મમ હત્યા બાદ પોલીસ અને સુરક્ષા દળો સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. જિલ્લા પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન તેજ કરવાની સાથે ત્રણ મોસ્ટ વોન્ટેડ આતંકીઓના પોસ્ટર જાહેર કર્યા છે, જેમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર જહાંગીર સરુરીનો પણ સમાવેશ થાય છે. સરકારે આ આતંકીઓની ચોક્કસ બાતમી આપનારને કુલ ₹30 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

કયા 3 આતંકીઓ પર જાહેર કરાયું ઈનામ?

જાહેરાત

કિશ્તવાડ જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં ત્રણ સક્રિય આતંકવાદીઓના નામ અને તસવીરો છે.
મોહમ્મદ અમીન ઉર્ફે જહાંગીર સરુરી
રિયાઝ અહેમદ ઉર્ફે હઝારી
મુદસ્સિર હુસૈન

કોણ છે A++ કેટેગરીનો આતંકી જહાંગીર સરુરી?

જહાંગીર સરુરી 1990ના દાયકાથી આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય છે અને તે A++ કેટેગરીનો ખતરનાક આતંકી છે. મળતી માહિતી મુજબ, તે દાયકાઓથી મોબાઈલ ફોન અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરીને સુરક્ષા એજન્સીઓની નજરથી બચતો રહ્યો છે. કિશ્તવાડ અને ડોડાના ઉપરના પહાડી વિસ્તારોમાં પોતાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) અને સ્થાનિક સમર્થકોના મજબૂત નેટવર્કના સહારે તે આતંકવાદને ફરી જીવંત કરવા અને મોટા હુમલાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ ઈનામની જાહેરાત બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સની હત્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે. બોબી ચંદ અને રશપાલ કુમાર નામના બંને જવાનો સેનાની એક ચોકી તરફ જતી વખતે લાપતા થઈ ગયા હતા. ગુરુવારે કિશ્તવાડના અંતરિયાળ દચ્છન વિસ્તારમાંથી તેમના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહો મળી આવ્યા હતા, તેમજ તેમની સર્વિસ રાઈફલો પણ ગાયબ હતી. પોસ્ટમોર્ટમ બાદ બંને જવાનોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત