જયપુરમાં માતા-પુત્ર અને દીકરીએ સામૂહિક આત્મહત્યા કરતા સનસનાટી

રાજસ્થાનની રાજધાની જયપુરના ભટ્ટા બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રામનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કાંવટિયા સર્કલ પાસે આવેલા રામનગરના એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર બંધ રૂમમાંથી માતા સરોજ, તેમના પુત્ર અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ભટ્ટા બસ્તી પોલીસની ટીમ પણ તરત જ ત્યાં પહોંચી હતી.
અંદરથી બંધ હતો દરવાજો, સામૂહિક આપઘાતની આશંકા
આ ઘટના કાંવટિયા હોસ્પિટલથી વિદ્યાધર નગર રોડ તરફ એચડીએફસી બૅન્કની નજીક આવેલા મકાનમાં બની છે. પોલીસ પહોંચી ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે પોલીસે હજુ સુધી મોતના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
સ્યુસાઇડ નોટમાં મોબાઇલનો ઉલ્લેખ
ઘટનાસ્થળેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 'મરવાનું કારણ મોબાઇલમાં છે' એવું લખેલું હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઇડ નોટમાં મોબાઇલનો ઉલ્લેખ થતા આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસ હવે મોબાઇલ ફોનમાં કઈ વિગતો કે માહિતી છુપાયેલી છે તે દિશામાં તપાસ કરી રહી છે. મોબાઇલનો ડેટા, પરિવારની સ્થિતિ અને અન્ય કડીઓ તપાસ્યા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવી શકશે. હાલ પોલીસે નોટની સંપૂર્ણ વિગતો અંગે સત્તાવાર ખુલાસો કર્યો નથી.
FSL ટીમ દ્વારા પુરાવા એકત્ર, તપાસ તેજ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ટીમે રૂમની સ્થિતિ, આસપાસની પરિસ્થિતિ અને ઘરમાં પડેલી ચીજવસ્તુઓની ઝીણવટભરી તપાસ કરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. સામૂહિક આપઘાત સહિતના તમામ સંભવિત પાસાઓ પર ભટ્ટા બસ્તી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
















