'લડોગે તો અધિકાર મિલેગા, ઝુકોગે તો લાનત મિલેગી', 14 વર્ષ જૂના કેસનો વીડિયો શેર કરી AAP સાંસદ સંજય સિંહે સરકાર પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ઉત્તર પ્રદેશના પ્રભારી સંજયસિંહ જેલમાંથી બહાર આવ્યા બાદ કેન્દ્ર સર

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ઉત્તર પ્રદેશના પ્રભારી સંજયસિંહ જેલમાંથી બહાર આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર સતત પ્રહારો કરી રહ્યા છે. સંજય સિંહે 14 વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એ સમયે તેમને જેલમાં જવું પડ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ તેમણે શેર કર્યો છે.
AAP સાંસદ સંજય સિંહે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વર્ષ 2010ની જૂની ઘટનાનો એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયો સુલતાનપુરમાં થયેલા એક આંદોલનનો હોવાનું કહેવાય છે. જેમાં હજારો લોકો ઈન્કલાબ જીંદાબાદના નારા સાથે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ વીડિયો એ સમયનો છે જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા.
આપ સાંસદ સંજયસિંહે આ વીડિયો શેર કરતા કહ્યું કે, 'વર્ષ 2010માં સુલતાનપુરના જિલ્લા વહીવટીતંત્રે ગરીબોની દુકાનોમાં તોડફોડ કરી હતી. એ સમયે વિરોધ કરવા બદલ મને જેલમાં ધકેલી દેવાયો હતો. આ કેસમાં જ્યારે હું જેલમાંથી બહાર આવ્યો, ત્યારે ફરીથી આ આંદોલન થયું હતું. ગરીબોને ફરીથી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી. જો તમે લડશો તો તમને તમારો અધિકાર મળશે. જો તમે ઝૂકી જશો તો ચારેબાજુથી ફિટકાર મળશે.
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ છે. ભાજપ તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ કરી રહ્યો છે. આપના અગ્રીમ હરોળના ઘણાં નેતાઓ જેલમાં છે. આ મામલે બીજા ઘણાં નેતાઓ પર અસર થઈ શકે છે.
સંજય સિંહને હાલમાં જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય સિંહ બહાર આવતા આપ પાર્ટીમાં થોડો જીવ આવ્યો છે. સંજય સિંહ પણ સતત પોતાનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવી રહ્યા છે. AAP નેતાએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમની સામે અનેક નિવેદનો નોંધવામાં આવ્યા હતા પરંતુ કોર્ટમાં માત્ર બે જ રજૂ કરવામાં આવ્યા હતા.






