Rajasthan Tragedy: રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત ધરાશાયી દુર્ઘટનામાં 10 શિક્ષક-અધિકારીઓ સસ્પેન્ડ

Rajasthan Tragedy: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પિપલૌદ ગામમાં શુક્રવારે સવારે એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. એક સરકારી પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ હતી. જેમાં 7 નિર્દોષ વિદ્યાર્થીઓનાં મોત થયા હતા અને એક ડઝનથી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ શાળામાં પ્રાર્થનાસભા માટે હાજર હતા. ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ઈમારતને લઈ ઘણીવાર ચેતવણી પણ આપવામાં આવી હતી. છતાં નિંભર તંત્રને કોઈ ડર નહોતો. આ અંગે પાંચ શિક્ષક અને પાંચ શિક્ષણ વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગામનાં લોકોની મદદથી વિદ્યાર્થીઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લોકો અને વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે સ્કૂલની દીવાલ અને છત પહેલાથી જર્જરિત હતા. થોડા સમય અગાઉ પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિ નહોતી સુધરી. આ શાળાની ઈમારત 78 વર્ષ જૂની હતી. વહીવટી તંત્રની બેદરકારીને લીધે આ દુર્ઘટના બની હતી.
છત પરથી કાંકરા પડવાની બાળકોની કાકલૂદી શિક્ષકોએ ધ્યાને ન લીધી
આ દરમ્યાન એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, છત પરથી કાંકરા ખરવા લાગ્યા હતા. એ સમયે બાળકોએ શિક્ષકને કહ્યું હતું પરંતુ ટીચરે બધાને વિદ્યાર્થીઓને ખખડાવીને ચૂપ કરી દીધા અને ત્યારબાદ છત ધરાશાયી થઈ ગઈ અને બાળકો દટાઈ ગયા હતા. દુર્ઘટના સમયે શિક્ષકો નજીક નાસ્તો કરી રહ્યા હતા. પૂર્વ સીએમ વસુંધરા રાજેએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. અને જણાવ્યું કે, ''આ ખૂબ પીડાજનક છે.''
રાજસ્થાન શિક્ષણ વિભાગના પાંચ કર્મચારી સસ્પેન્ડ
આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાયેલો છે, અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો અને ગ્રામીણોના જણાવ્યા અનુસાર, ઘણીવાર શાળાની સ્થિતિને લઈ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. આ દુર્ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રએ કાર્યવાહી કરતા 5 શિક્ષક અને પાંચ શિક્ષણ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવવામાં આવી છે. અને ઘટનાનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળના પગલાં લેવામાં આવશે.

