Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Putin makes important proposal of Su-57 fighter jet to India

રશિયા-ભારત ડિફેન્સ ડીલ, પુતિને ભારત સામે મૂક્યો Su-57 ફાઇટર જેટનો મહત્ત્વનો પ્રસ્તાવ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
રશિયા-ભારત ડિફેન્સ ડીલ, પુતિને ભારત સામે મૂક્યો Su-57 ફાઇટર જેટનો મહત્ત્વનો પ્રસ્તાવ
સોર્સ : gstv

ભારતીય વાયુસેના (IAF) લાંબા સમયથી પાંચમી પેઢીના અત્યાધુનિક સ્ટેલ્થ લડાયક વિમાનની શોધમાં છે. ભારતના પોતાના સ્વદેશી AMCA પ્રોજેક્ટમાં હજુ વિલંબ થઈ રહ્યો છે, ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત સામે એક મોટો અને મહત્ત્વનો પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને ભારતને Su-57 સ્ટેલ્થ ફાઇટર જેટ સંયુક્ત રીતે વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવાની ઓફર આપી છે. આ ઓફર ભારત-રશિયાના સંરક્ષણ સહયોગને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.

App Store

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાતચીત કરતા પુતિને જણાવ્યું હતું કે, 'રશિયા ભારતને Su-57 વિમાન સપ્લાય કરવા, તેને વધુ અપગ્રેડ કરવા અને તેની મહત્ત્વની ટેક્નોલોજી શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ કરવા માટે રશિયાની કોઈ સીમા નથી.

ભારતને કેમ છે પાંચમી પેઢીના ફાઇટર જેટની જરૂર?

હાલમાં ભારતીય વાયુસેના પાસે કોઈ 5th Generation સ્ટેલ્થ વિમાન નથી, જ્યારે પાકિસ્તાન દ્વારા ચીનનું J-35AE સ્ટેલ્થ ફાઇટર વિમાન ખરીદવાની શક્યતાઓને પગલે ભારતની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. બીજી તરફ, ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રનની સંખ્યા સતત ઘટી રહી છે. ભારતનું સ્વદેશી પાંચમી પેઢીનું વિમાન 'AMCA' વર્ષ 2030ના દાયકાના મધ્ય પછી જ સેવામાં આવે તેવી શક્યતા છે. આ સંજોગોમાં વાયુસેનાને એક એવા વચગાળાના ફાઇટર જેટની જરૂર છે જે દુશ્મનના સ્ટેલ્થ વિમાનો અને આધુનિક એર ડિફેન્સનો સામનો કરી શકે. રશિયાનું Su-57 આ શૂન્યાવકાશને ભરવા માટે મજબૂત વિકલ્પ છે.

શું છે Su-57ની ખાસિયતો?

Su-57 એ રશિયાનું સૌથી એડવાન્સ સ્ટેલ્થ ફાઇટર જેટ છે. તે અત્યંત ઝડપી હિલચાલ (મેન્યુવરેબિલિટી), ઉત્કૃષ્ટ સ્ટેલ્થ ક્ષમતા અને આધુનિક એવિઓનિક્સથી સજ્જ છે. આ એક મલ્ટી-રોલ ફાઇટર વિમાન છે જે હવામાં, જમીન પર અને દરિયાઈ લક્ષ્યો પર સચોટ હુમલો કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતો તેને ચીનના J-35 અને અમેરિકાના F-35ની સમકક્ષ માને છે. તેમાં એડવાન્સ રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને લાંબી અંતરની મિસાઇલ લગાવી શકાય છે.

વર્ષ 2018માં ભારત કેમ આ પ્રોજેક્ટથી પાછળ હટ્યું હતું?

રશિયાએ 2018માં પણ ભારતને ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ (FGFA) પ્રોજેક્ટમાં સામેલ થવા ઓફર કરી હતી, જે Su-57 પર જ આધારિત હતો. જોકે, તે સમયે ભારતીય વાયુસેનાને આ વિમાનની સ્ટેલ્થ ક્ષમતા સંપૂર્ણ સંતોષજનક નહોતી લાગી અને ટેક્નોલોજી ટ્રાન્સફર સહિતના મુદ્દાઓ પર અસહમતી થતાં ભારત આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયું હતું. પરંતુ હવે પુતિને ખાતરી આપી છે કે જૂની સમસ્યાઓ દૂર કરી શકાશે.

હાલમાં ભારત સામે ત્રણ વિકલ્પો છે – રશિયાનું Su-57, અમેરિકાનું F-35 (જે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની મુલાકાત વખતે ઓફર કર્યું હતું) અને ભારતનું પોતાનું સ્વદેશી AMCA. તાજેતરના ઈરાન સંઘર્ષે સાબિત કર્યું છે કે આધુનિક યુદ્ધમાં સ્ટેલ્થ ક્ષમતા કેટલી મહત્ત્વની છે. નિષ્ણાતોના મતે, ભારત તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે 40 જેટલા Su-57 વિમાનોનો ઓર્ડર આપવા અંગે વિચારી શકે છે.

સંયુક્ત ઉત્પાદનથી ભારતને થનારા ફાયદા અને પડકારો

જો ભારત રશિયાના આ પ્રોજેક્ટમાં જોડાશે તો તેનાથી ઘણા ફાયદા થશે:

- ભારતમાં જ ઉત્પાદન થવાથી 'મેક ઇન ઇન્ડિયા'ને વેગ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
- ભારતને હાઈ-ટેક સંરક્ષણ જ્ઞાન મળશે જે ભવિષ્યમાં સ્વદેશી AMCA પ્રોજેક્ટને વધુ બહેતર બનાવવામાં મદદ કરશે.
- રશિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે, જેણે ભારતને પહેલાથી જ S-400 એર ડિફેન્સ સિસ્ટમ જેવા અદ્યતન હથિયારો આપ્યા છે.
- જોકે, આ સોદામાં કેટલાક પડકારો પણ છે. વિમાનની સ્ટેલ્થ ક્ષમતા, એન્જિનની વિશ્વસનીયતા અને જાળવણી ખર્ચ (મેન્ટેનન્સ કોસ્ટ) જેવા મુદ્દાઓ પર વાયુસેનાએ સંપૂર્ણ સંતુષ્ટ થવું પડશે. આ ઉપરાંત, પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા સંભવિત પ્રતિબંધો (CAATSA)ને પણ ધ્યાનમાં રાખવા પડશે.
- સરકાર, વાયુસેના અને સંરક્ષણ મંત્રાલય આગામી દિવસોમાં આ પ્રસ્તાવ પર ગંભીર ચર્ચા વિચારણા કરશે, કારણ કે આ નિર્ણય માત્ર વિમાન ખરીદવાનો નથી, પરંતુ ભારતની ભવિષ્યની હવાઈ શક્તિ અને વ્યૂહનીતિ સાથે જોડાયેલો છે.