VIDEO:શિમલામાં મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરીકેટ્સ તોડતા પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલીમાં મસ્જિદ બાબતે હિંદુ સંગઠનો દ્વારા ચાલી રહેલો વિરોધ અટક

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલીમાં મસ્જિદ બાબતે હિંદુ સંગઠનો દ્વારા ચાલી રહેલો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શિમલાના સંજૌલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સંગઠનોના ટોળાએ પોલીસ દ્વારા ગોઠવાયેલા બેરીકેટ્સ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પણ પાણીનો મારો કર્યો છે.
મોટી સંખ્યામાં તૈનાત પોલીસ દળો પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. બેરિકેડ તોડીને આગળ વધી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે. ગઈકાલે માલ્યાણામાં બે સમુદાયો વચ્ચે થયેલી લડાઈ બાદ આ મામલો ફાટી નીકળ્યો હતો
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે કહ્યું કે, આ ગેરકાયદે બાંધકામનો મુદ્દો છે, આને મસ્જિદ વિવાદ સાથે ન જોડો. લોકોએ આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું. આજે જે આહ્વાન કરાયું હતું તેના માટે પ્રશાસન અને પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. જેથી રાજ્યની શાંતિ ન ડહોળાય. અમે પહેલાથી જ કલમ 163 લગાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે આ મુદ્દો હિમાચલ પ્રદેશની રાજનીતિમાં છવાયેલો છે. હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે મસ્જિદના નિર્માણ મુદ્દે વિધાનસભામાં આકરી ટીપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે, 'સંજૌલી માર્કેટમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ચોરીઓ થઈ રહી છે, લવ જેહાદ જેવી ઘટનાઓ બની રહી છે, જે રાજ્ય અને દેશ માટે ખતરનાક છે. મસ્જિદ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. પહેલા એક માળ બાંધવામાં આવ્યો હતો. પછી બાકીના માળ પરવાનગી વગર બનાવવામાં આવ્યા. 5 માળની મસ્જિદ બનાવવામાં આવી છે. પ્રશાસનને પ્રશ્ન એ છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને કારણે વીજળી અને પાણી કેમ ન કાપવામાં આવ્યા?






