'દસ હજાર આપે તો લઈ લેજો પણ વોટ સમજીને આપજો', બેગૂસરાયમાં પ્રિયંકાના સરકાર પર પ્રહાર

બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધી બેગૂસરાયના બછવાડા વિધાનસભા વિસ્તારમાં પહોંચી છે. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગરીબદાસના સમર્થનમાં જનસભાને સંબોધિત કરતાં નીતિશ સરકાર પર હુમલો કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીંના લોકોને પલાયન કરવું પડી રહ્યું છે. મોંઘવારીએ માઝા મુકી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દેશની સંપત્તી હતી જેનાથી રોજગાર મળતા હતા. સરકારે એ તમામ ઉદ્યોગો પોતાના બે મિત્રોને આપી રાખ્યો છે. ખાનગીકરણ થઈ ગયું છે. બધું કામ ઈજારાથી થઈ રહ્યું છે. 20 વર્ષ સરકાર ચલાવ્યા બાદ પણ સરકાર કહી રહી છે કે 1 કરોડ રોજગાર આપીશું. 20 વર્ષમાં કંઈ આપ્યું નહીં તો હવે શું કરશો? ખાલી મોટા મોટા વાયદા કરી રહ્યા હતા. નાના ઉદ્યોગોને ખતમ કરી નાંખ્યા છે. એમના હાથમાં જે તમારું હતું તે પોતાના મિત્રોને આપી દીધું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લોકોનું દિલ ગભરાઈ રહ્યું છે. વિચારી રહ્યા છે કે દવા ક્યાંથી મળશે. બાળકોની દેખભાળ કેવી રીતે કરીશું? બિહારમાં મહિલાઓની સ્થિતિ દયનીય છે. મોદી કહે છે કે ડબલ એન્જિનની સરકાર ચલાવીશું. કોઈ તમારું સાંભળતું નથી. તમારા સીએમનું પણ કોઈ સાંભળતું નથી. બધું કેન્દ્રના ભરોસે ચાલી રહ્યું છે. કોડીના ભાવે જમીન વેચાઈ રહી છે.
પ્રિયંકા ગાંધીએ લોકોને કહ્યું કે, આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તમારે બદલાવ લાવવો પડશે. અહીં ભણેલા ગણેલા યુવાનો બેકાર છે. જે નેતા પોતાની વાહવાહીમાં પડી છે. લોકોથી ડરી જઈને તેઓ વોટ ચોરી કરી રહ્યા છે. અહીં કોંગ્રેસે ઉદ્યોગો લાવી હતી. ભૂતકાળમાં જવાની જરૂર નથી. રાહુલ ગાંધી જાતિ આધારિત વસ્તી ગણતરી, સામાજિક ન્યાયની વાતો કરે છે કારણ કે તે સમાજના બધા વર્ગોનો વિકાસ કરવા માંગે છે.
તમારે બિહારને ઠીક કરવાનું છે. એવા નેતાઓના ચક્કરમાં પડવાનું નથી જે પોતાના ચહેરાને ચમકાવે છે. ચૂંટણી આવી તો કહી રહ્યા છે દસ હજાર લો. એનો શું મતલબ? તમારી પાસેથી લાભ લેવાની આ સ્કીમ છે. ચૂંટણી પૂરી થતાં બધું પૂરું થઈ જશે. દસ હજાર રૂપિયા આપે તો તમે લઈ લેજો પરંતુ વોટ સમજી વિચારીને આપજો. મહિલાઓને કહ્યું કે, તમારા અધિકારોને સારી રીતે સમજી લો, હું પણ મહિલા છું. જે તમારા માટે કામ નથી કરતા એને હટાવી દો. ચૂંટણી ટાણે નેતાઓ આવીને ખોટા વાયદાઓ કરી જશે, તમને ઠગી જશે. આ જ તક છે. કે તમારું આત્મસન્માન મળે.

