'રાષ્ટ્રપતિએ અમારી પાસે પુરાવા માગ્યા, પરંતુ મતચોરીના આરોપોનું ખંડન ન કર્યું', રાહુલ ગાંધીનો દાવો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં સુપ્રીમો મમતા બેનર્જીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “આખો દેશ જાણે છે કે મતચોરી થઈ રહી છે. નરેન્દ્ર મોદી તેના મુખ્ય સૂત્રધાર છે, જ્યારે અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર આ કામને અંજામ આપી રહ્યા છે. આજે ભારતનાં રાષ્ટ્રપતિએ આ હકીકતને નકારી નથી.” રાહુલ ગાંધીનો દાવો છે કે રાષ્ટ્રપતિએ અમારી પાસે પુરાવા માગ્યા, પરંતુ મતચોરીના આરોપોનું ખંડન ન કર્યું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આગામી 12 ઓક્ટોબરે તેઓ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ CJI સૂર્યકાંતને આવેદનપત્ર સુપરત કરશે. આ પહેલાં સંસદ ભવનથી કૂચ કરી રહેલા વિપક્ષી ગઠબંધન INDIAના અન્ય સાંસદોને પોલીસે વિજય ચોક ખાતે અટકાવ્યા હતા. પ્રતિનિધિમંડળના સભ્યોનાં નામ અગાઉથી જ રાષ્ટ્રપતિ ભવનને મોકલી આપવામાં આવ્યાં હતાં. કથિત મતચોરીના મુદ્દે રાષ્ટ્રપતિ મુર્મુને આવેદનપત્ર સુપરત કરવા માટે આ પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું.
કયા નેતાઓએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી?
કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર જૂથ)નાં નેતા સુપ્રિયા સુલે, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા, VCKના પ્રમુખ થોલ. થિરુમાવલવન, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઈ.ટી. મોહમ્મદ બશીર, CPI(M)ના મહાસચિવ એમ.એ. બેબી અને CPIના ડી. રાજા પણ સામેલ હતા.

