VIDEO: પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપ: EDએ TMCના ૩ બેંક ખાતા કર્યા ફ્રીઝ, પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર ડીલમાં 440 કરોડ અટવાયા!
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. EDએ TMC સાથે જોડાયેલા ત્રણ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, જેમાં 440 કરોડ રૂપિયા જમા છે. માહિતી મુજબ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ EDએ આ કાર્યવાહી કરી છે. એજન્સીએ પાર્ટીના ખાતાઓ દ્વારા થયેલા કથિત શંકાસ્પદ વ્યવહારો અને ચાર્ટર્ડ પ્લેનના ખર્ચની તપાસ માટે કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
TMCના બેંક ખાતાઓમાંથી કથિત હેરાફેરી કરીને 'એમ્બ્રેયર' વિમાન અને 'અગસ્તા વેસ્ટલેન્ડ' હેલિકોપ્ટર ખરીદવાના મામલામાં EDએ પાછલા કેટલાક દિવસોમાં કોલકાતામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોલકાતામાં અંદાજે 5 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝ'ના ઠેકાણા પણ સામેલ છે, જે 'કેરવેલ એવિએશન'ના નામે પ્રાઇવેટ જેટ ભાડે આપવાનું કામ કરે છે.
તપાસમાં આ બાબત સામે આવી
અધિકારીઓના જણાવ્યા મુજબ, એજન્સીની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, એપ્રિલ 2023 થી જુન 2026 વચ્ચે TMCના આ બેંક ખાતાઓમાંથી અંદાજે 160 કરોડ રૂપિયા 'કેરવેલ એવિએશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' અને તેની સહયોગી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ 2023 થી 2026 વચ્ચે 82.96 કરોડ રૂપિયાની અન્ય એક મોટી રકમ નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ મોટી રકમમાંથી 112 કરોડ રૂપિયાનો ઉપયોગ 'એમ્બ્રેયર લિગસી 600' કોર્પોરેટ વિમાન અને 'અગસ્તા વેસ્ટલેન્ડ 109SP' હેલિકોપ્ટર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હેલિકોપ્ટર ખરીદવા માટે વિદેશથી મળેલા નાણાંનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રકમનો સ્ત્રોત સીધો જ TMCના બેંક ખાતા હતા. બાદમાં આ બંને વિમાનો TMCને ભાડે આપવામાં આવ્યા હતા.
EDનું શું કહેવું છે?
એજન્સીના જણાવ્યા અનુસાર, વિમાનોના ઉપયોગના નામે મોટી રકમની લેવડદેવડ થઈ છે, જે અત્યંત શંકાસ્પદ છે. એવું લાગી રહ્યું છે કે, આ ડીલના અસલી લાભાર્થી ચહેરાઓને છુપાવવા માટે આ એક મહોરું (ફ્રન્ટ) બનાવવામાં આવ્યું હતું. આ એંગલથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
મામલો કેવી રીતે સામે આવ્યો?
TMCમાં આંતરિક ખટરાગ બાદ બળવાખોર ધારાસભ્યોએ પાર્ટી ફંડમાં જમા થયેલા નાણાંના સ્ત્રોતની તપાસ કરવાની માંગ કરી હતી. આ બાબતે કોલકાતા પોલીસે TMCના 3 બેંક ખાતાઓમાંથી થતા નાણાકીય વ્યવહારો અને ઉપાડ પર રોક લગાવી દીધી હતી. જેની સામે મમતા બેનર્જીની આગેવાની હેઠળનું જૂથ કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યું છે.

